અમદાવાદ, તા.૩૦
ખાતાઓની વહેચણીમાં જોવા મળેલો અસંતોષ નીતિન પટેલની નારાજગીમાં પરિણમતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ મામલે સમગ્ર રાજ્યમાંથી પાટીદારો સહિત અનેક રાજકીય, ધાર્મિક, સામાજિક આગેવાનો અને અનેક સંસ્થાઓના આગેવાનો તેમજ નીતિન પટેલના સમર્થકોએ નીતિન પટેલનો સંપર્ક કરી તેમના સમર્થનમાં આવતાં ગુજરાતના રાજકારણમાં હલચલ મચી ગઈ છે ત્યારે નીતિન પટેલની આ નારાજગી ગુજરાતના રાજકારણમાં કંઈ નવા-જૂનીનું નિર્માણ કરશે તેવી ચર્ચાઓ વેગવંતી બની છે.
ભાજપથી નારાજ નીતિન પટેલના અમદાવાદના નિવાસ સ્થાને શનિવારે સવારથી નીતિન પટેલને મળાવા બેઠકોનો દોર શરૂ થઈ ગયો હતો.
જેમાં દૂધ ઉત્પાદન એસોસિએસનના નેતાઓ, પાટીદાર સમાજના નેતાઓ પણ મુલાકાત માટે પહોંચ્યા. જેમાં સહકારી આગેવાન જે.કે. પટેલે કહ્યું કે, તેઓનું સ્વમાન હણાયુ છે અને તેઓ સરકારથી નારાજ છે. તો પાટીદાર આગેવાન વજુભાઈ પરસાણા સાથે પણ નીતિન પટેલના સ્વમાનનો પ્રશ્ન હોવાની વાત કહી. જોકે પાટીદાર આગેવાનો અને સહકારી ક્ષેત્રના આગેવાનોએ કોઈપણ પરિસ્થિતિમાં તેમની સાથે હોવાની વાત કહી છે.
જ્યારે કલોલથી ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય અતુલ પટેલે પણ નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી. તેમણે રાજ્ય સરકારમાં લગભગ તમામ વિભાગો સંભાળ્યા છે. જોકે આ વખતે તેમના કદ પ્રમાણે તેમને ખાતા ન મળતા તેઓ નારાજ છે અને દુઃખી હોવાની વાત અતુલ પટેલે કહી હતી તો બેચરાજીથી અપક્ષ ચૂંટણી લડનારા અને પાટીદાર આગેવાન કિરીટ પટેલે નીતિન પટેલની મુલાકાત બાદ કહ્યું કે, પાટીદાર અને તમામ જ્ઞાતિઓ નીતિન પટેલની સાથે છે. તો બીજીતરફ વિરમગામના ભાજપના આગેવાન પ્રાગજીભાઈ પટેલે પણ નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી.
એસીપીજી નેતા પૂર્વિન પેટેલે નીતિન પટેલ સાથે મુલાકાત બાદ સ્પષ્ટ કહ્યું કે, નીતિન પટેલ દુઃખી છે. એસપીજીના નેતા પૂર્વિન પટેલ અને નચિકેત મુખીએ અમદાવાદમાં નીતિન પટેલના નિવાસ સ્થાનની મુલાકાત લીધી હતી. એસપીજી નેતા પૂર્વિન પટેલે કહ્યુ કે, નીતિન પટેલનું યોગ્ય માન-સન્માન થયું નથી. તેમના અનુભવ પ્રમાણે તેમને વિભાગ આપવામાં આવ્યા નથી.
નારાજ નીતિન પટેલ સાથે મુલાકાત કરવા બ્રાહ્મણ સમુદાયના આગેવાન યજ્ઞેશ દવે પણ પહોંચ્યા હતા અને પાટીદાર સમુદાય નીતિન પટેલની સાથે હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે, નીતિન પટેલથી પાટીદાર સમાજ પણ નારાજ નથી. જોકે તેઓ આટલા અનુભવી હોવા છતાં તેમને ખાતા ફાળવણી થઈ તેનાથી સ્વમાનને અસર પહોંચી હોવાનું જણાવ્યું હતું. મહેસાણાથી વિધાનસભા ચૂંટણી જીતેલા નીતિન પટેલને મળવા તેમના મતવિસ્તારમાંથી સ્થાનિક કાર્યકર્તાઓ પણ અમદાવાદ આવ્યા હતા. જ્યાં તેમણે નીતિન પટેલને ન્યાય મળે તેવી માંગ કરી છે. તો પક્ષ છોડશે તો કાર્યકરોએ પણ પક્ષ છોડવાની તૈયારી દર્શાવી હતી.
આ ઉપરાંત આરએસએસના ચિંતન ઉપાધ્યાય, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનના પતિ મફતભાઈ પટેલ, એસપીજીના લાલજી પટેલ, તેમજ પૂર્વ પાસ સાથે સંકળાયેલા કેતન પટેલ સહિત અનેક સમાજના આગેવાનો અને પાટીદારોએ નીતિન પટેલની મુલકાત લઈ તેમની નારાજગી વિશે નિવેદનો આપ્યા હતા. જ્યારે પૂર્વ કેબિનેટ મંત્રી નરોત્તમ પટેલે નિવેદન ડે. સીએમ નીતિન પટેલની નારાજગી મુદ્દે પૂર્વ મંત્રી નરોત્તમ પટેલે જણાવ્યું હતુ કે નીતિનભાઈના રોલનો તેમને અનુભવ છે, તેઓ કોઈ સામાન્ય મંત્રી નથી પરંતુ રાજ્યના ના.મુખ્યમંત્રી છે, તેવામાં તેમની નારાજગી સ્વાભાવિક છે. નરોત્તમ પટેલે વધુમાં ઉમેર્યું હતુ કે ના.મુખ્યમંત્રી નીતિન પટેલનો આ સત્યાગ્રહ છે ન્યાય માટે છે. તેમણે શહેરી વિસ્તારનો વિકાસ કર્યો છે અને તેમના કારણે ભાજપ સત્તામાં છે ત્યારે કોઈપણ નિર્ણય લેવામાં તેમની સહમતિ લેવી જરૂરી છે. આ તકે તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે ડે. સીએમની નારાજગી ગુજરાત માટે હાનિકારક સાબિત થશે. આ ઉપરાંત પૂર્વ સીએમ આનંદીબેન પટેલે પણ આ મામલે જણાવ્યું છે કે નીતિનભાઈને અન્યાયની લાગણી થઈ હોય તો તેમણે રાષ્ટ્રીય અધ્યક્ષ અને પીએમ મોદીને રજૂઆત કરવી જોઈએ. જ્યારે અમદાવાદમાં અનેક પાટીદાર સમર્થકોએ નીતિન પટેલના સમર્થનમાં નારા પણ લગાવ્યા હતા.