(એજન્સી) તા.૯
જનતાદળ યુના બાગી નેતા શરદ યાદવે આજે દેશની આર્થિક સ્થિતિ અને ગૌરક્ષકો દ્વારા થતા હુમલા અંગે કેન્દ્ર સરકારની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. સાથે સાથે તેમણે પક્ષની વિચારધારા અનુસરવાને બદલે સત્તાનો માર્ગ પસંદ કરનાર બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર પર પણ પ્રહારો કર્યા હતા. તાકાતના પ્રદર્શનમાં શરદ યાદવે જદયુની રાષ્ટ્રીય કાઉન્સિલની બેઠકને સંબોધન કર્યુ હતું જ્યાં તેમણે ભાજપ અને નીતિશ બંનેને નિશાન બનાવ્યા હતા.
શરદ યાદવ હવે કાઉન્સિલના સભ્યો દ્વારા સહી કરેલા સોગંદનામા ચૂંટણી પંચને સુપરત કરશે અને પોતાને સમર્થન છે તેમજ પક્ષનું નામ અને પ્રતિક એમને આપવું જોઇએ એવું પુરવાર કરશે. ચૂંટણી પંચે તાજેતરમાં સોગંદનામા જેવા આધારભૂત પુરાવાના અભાવને કારણે તેમની વિનંતી ફગાવી દીધી હતી.
શરદ યાદવે જણાવ્યું હતું કે ભાજપે લોકસભા ચૂંટણી પૂર્વે વિકાસને સમર્થન આપવા વચન આપ્યું હતું પરંતુ ત્યારબાદ ભાજપે લવજેહાદ અને ગૌરક્ષા જેવા મુદ્દે પોતાની ઊર્જાનો ઉપયોગ કર્યો હતો. યાદવે એવું પણ જણાવ્યું હતું કે નોટબંધી અને જીએસટીના કારણે પણ લોકોને સહન કરવું પડ્યું છે.
જ્યારે ભાજપના જ યશવંતસિંહા અને અરુણ શૌરી અને કોંગ્રેસના મનમોહનસિંહ અને પી ચિદમ્બરમ દેશના અર્થતંત્રની સ્થિતિ અંગે એક સરખો મત ધરાવતા હોય ત્યારે આપણે પણ સંમત થવું પડે કે અર્થતંત્રમાં કોઇ ગરબડ છે એવું શરદ યાદવે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પૂર્વ વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે અમે જેલમાં ગયા હતા અને તેની સામે લડવાનો અમને સંતોષ હતો.
પરંતુ હવે કટોકટી નથી તેમ છતાં લોકો સહન કરી રહ્યા છે. રોજગારો પણ હવે ઉપલબ્ધ નથી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે એનડીએ અટલબિહારી વાજપેયી અને એલ કે અડવાણી દ્વારા નિર્ધારીત સિદ્ધાંતોના આધારે ચાલી રહ્યું હતું ત્યારે નીતિશ તેને છોડીને ગયા છે.