(એજન્સી) પટના, તા. ૧૭
બિહારમાં ભાજપ સાથે સરકાર ચલાવી રહેલા નીતિશ કુમારે આરએસએસ વિરૂદ્ધ પગલાં ભર્યા છે. નિર્ણય બાદ ભાજપ અને જેડીયુ વચ્ચેના સંબંધોમાં કડવાશ જોવા મળી રહી છે. નીતિશ સરકાર દ્વારા આરએસએસ સહિત વિવિધ સંગઠનોની આંતરિક તપાસ કરાવવા અંગે એક ગુપ્ત પત્ર જારી કર્યો હતો. આ પત્ર અનુસાર બિહારમાં સ્પેશિયલ બ્રાન્ચની ટીમે આરએસએસ સહિત ૧૯ સંગઠનોની સંપૂર્ણ માહિતી લેવાનો આદેશ આપ્યો છે. આ આદેશ ૨૮મી મે ૨૦૧૯ના રોજ સ્પેશિયલ બ્રાન્ચના તમામ ડેપ્યુટી એસપીને જારી કરવામાં આવ્યો હતો. આમાં એવા સંગઠનોના પદાધિકારીઓના નામ અને સરનામાની જાણકારી મેળવવા માટે કહેવાયું છે. સ્પેશિયલ બ્રાન્ચ તરફથી જારી કરાયેલા આદેશમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, હિંદુ જાગરણ સમિતિ, મુસ્લિમ રાષ્ટ્રીય મંચ, હિંદુ રાષ્ટ્ર સેના, રાષ્ટ્રીય સેવિકા સમિતિ, શિક્ષા ભારતી, દુર્ગા વાહિની, સ્વદેશી જાગરણ મંચ, ભારતીય કિસાન સંઘ, ભારતી મજદૂર સંઘ, ભારતીય રેલવે સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, અખિલ ભારતીય શિક્ષક સંઘ, હિંદુ મહાસભા, હિંદુ યુવા વાહિની, હિંદુ પુત્ર સંગઠનના પદાધિકારીઓના નામ તથા સરનામા માગવામાં આવ્યા છે. પત્ર અનુસાર વિશેષ શાખાના પોલીસ અધિક્ષકે તમામ વિસ્તારના પોલીસ ઉપાધ્યક્ષો અને તમામ જિલ્લાઓના વિશેષ શાખા પદાધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે, એક અઠવાડિયામાં આરએસએસ તથા તેની સાથે જોડાયેલા સહયોગી સંગઠનોની સમગ્ર માહિતી એકત્ર કરી રાખે. પત્ર વાયરલ થયા બાદ બિહારમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. આરજેડીના ધારાસભ્ય વીરેન્દ્રએ એનડીએ સરકાર પર ટોણો મારતા કહ્યું છે કે, ભાજપ અને જેડીયુ મેળ ખાય તેવા લગ્ન નથી અને આ લગ્ન વહેલી તકે તૂટી જશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા મોદી મંત્રીમંડળમાં જેડીયુ પર ધ્યાન ન આપતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર નારાજ થયા હતા અને બાદમાં બિહારમાં મંત્રીમંડળ વિસ્તરણ દરમિયાન નીતિશ કુમારે ભાજપના કોઇ સભ્યને સ્થાન આપ્યું ન હતું.