પટના, તા.૨૧
બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે એવી જાહેરાત કરી હતી કે અમે રાજ્યના તમામ મદરેસાનું રિનોવેશન કરાવી આપશું અને સરસ લાયબ્રેરીની સગવડ પણ પૂરી પાડશું. અમે મદરેસાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ભંડોળ આપવાનો વાયદો ૨૦૧૭માં કર્યો હતો પરંતુ એ કેટલાક કારણોસર શક્ય બન્યું નહોતું.
તેમણે કહ્યું કે હવે અમે તમામ મદરેસાનું પુનર્નિર્માણ કરાવવા ઉપરાંત એ લોકોને સાયન્સની લેબોરેટરી અને લાયબ્રેરીની સગડવ પણ કરી આપશું. બિહારમાં હાલ સરકારી માન્યતા ધરાવતા ૨૫૪૯ મદરેસા છે.
કોઇ રાજ્ય સરકાર મદરેસાના રિનોવેશનની જવાબદારી લે એવો દેશમાં આ પહેલો કિસ્સો છે. અગાઉ મદરેસા કમિટિ આવાં કાર્યો કરતી હતી. રાજ્ય સરકાર માત્ર આર્થિક મદદ કરતી હતી. હવે રાજ્ય સરકારે પોતે આ કામ કરવાની જાહેરાત કરી હતી.
બિહાર રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરી અમીર અન્સારીએ કહ્યું કે આ યોજના માટે અમને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. આ કામને પૂરું કરવા માટે મદરેસા બોર્ડ નોડલ જેવી એક એજન્સીની સ્થાપના કરાશે. મકાન બાંધકામ ખાતું આ કામમાં મદદ કરશે.