(એજન્સી) નવી દિલ્હી-પટણા, તા. ૨૭
એનડીએનો સહયોગી પક્ષ જેડીયુમાં નીતીશ કુમારને ફરી વડાપ્રધાન બનાવવાનો અવાજ ફરી ઉઠવા લાગ્યો છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓ પહેલા પણ નીતીશ કુમારને પીએમનો ચહેરે જાહેર કરવાનો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. હવે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ પહેલા પણ નીતીશ કુમારને પીએમ ચહેરો જાહેર કરવાની વાત કહેવામાં આવી રહી છે. જેડીયુના એમએલસી ગુલામ રસૂલ બલયાવીએ નિવેદન કર્યું છે કે જો એનડીએ ફરી વાપસી ઇચ્છે છે તો નીતીશ કુમારને વડાપ્રધાનનો ચહેરો જાહેર કરવો જોઇએ. બલયાવીએ જણાવ્યું છે કે જો એનડીએ ૨૦૧૯માં ફરી જંગી બહુમતીથી સરકાર બનાવવા માગે છે તો જેડીયુ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશ કુમારને વડાપ્રધાનનો ચહેરો જાહેર કરી દેવો જોઇએ. કારણ કે નીતીશ કુમારના નામે જ ૭૫ ટકા મુસ્લિમ વોટ આપવા માટે તૈયાર થશે. બલયાવીએ કહ્યું કે સરકાર ત્રણ તલાક અને રામ મંદિર જેવા મુદ્દાઓ અંગે વાત કરી રહી છે પરંતુ તલાક, નિકાહ, મંદિર અને મસ્જિદના મુદ્દાઓ પર સરકાર બનતી નથી. ત્રણ તલાક પર જેડીયુ અને મારો મત સ્પષ્ટ છે. ત્રણ તલાક એક ધાર્મિક મુદ્દો છે, તેના પર કોઇ પણ પ્રકારનો હસ્તક્ષેપ થવો જોઇએ નહીં. કોઇ પણ ધાર્મિક મુદ્દાઓ પર જેડીયુ પોતાને અલગ રાખે છે અને અલગ જ રાખશે. તેમણે કહ્યું કે ભારતીય બંધારણમાં બધા લોકોને ધર્મના હિસાબે જીવવા મરવા, લગ્ન, નિકાહ અને તલાક જેવી બાબતોની સ્વતંત્રતા છે, તેથી તેના પર હસ્તક્ષેપ માન્ય હશે નહીં.