(એજન્સી) નવી દિલ્હી, તા.૯
જેડીયુ નેતા શરદ યાદવે કોંગ્રેસના અહમદ પટેલને રાજ્ય સભાની ચૂંટણી જીતવા બદલ અભિનંદન આપતા રાજકીય અટકળોને વેગ આપ્યો છે. યાદવે લખ્યું ગુજરાતની ખૂબ જ રસાકસીભરી મુશ્કેલ ચૂંટણી જીતવા બદલ અભિનંદન. યાદવ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર સામે ભાજપના જોડાણને લઈને નારાજ છે. એમની ઈચ્છા ન હતી કે મહાગઠબંધન સાથે સંબંધો તોડી ભાજપ સાથે હાથ મિલાવીએ. જ્યારથી નીતિશે ભાજપથી જોડાણ કર્યું છે. શરદ યાદવ વિરોધ પક્ષના નેતાઓ સાથે મળી આગળની રણનીતિ ઘડી રહ્યા છે. જો કે યાદવને કેબિનેટ મંત્રી બનાવવા એનડીએ ઓફર કરી હતી પણ યાદવે ઈન્કાર કર્યો હતો. યાદવના વર્તન બાબત પક્ષના જનરલ સેક્રેટરી કે.સી.ત્યાગીએ જણાવ્યું કે મહાગઠબંધન કરવા માટે શરદ યાદવે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એ માટે ગઠબંધન તૂટતા એમને દુઃખ થયું છે. શરદ યાદવને નીતિશકુમારનો નિર્ણય ગમ્યો નથી. પણ મને લાગે છે કે, ૧૮-૧૯ તારીખે પટણામાં મળનારી રાષ્ટ્રીય મીટિંગમાં બન્ને વચ્ચે મતભેદો દૂર થઈ જશે.