(એજન્સી) પટના, તા.ર૦
મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું કે, પ્રત્યેક જિલ્લામાં વકફ બોર્ડનું એક ભવન બનાવવામાં આવશે તેના માટે જમીન પણ વકફ બોર્ડ જ પૂરી પાડશે અને આ અંગે ટૂંક સમયમાં જ કામ શરૂ કરી દેવામાં આવશે. ગુરૂવારે મુખ્યમંત્રી દ્વારા સંકલ્પ ભવનમાં લઘુમતી કલ્યાણ વિભાગની યોજનાઓની સમીક્ષા કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો કે, લઘુમતીઓ માટે જે યોજનાઓ ઘડવામાં આવી રહી છે તેના પર ઝડપથી કામ કરવામાં આવે તેની સતત સમીક્ષા પણ થતી રહેવી જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ જિલ્લાઓમાં લઘુમતી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે નિવાસી વિદ્યાલયનું નિર્માણ કરવા માટે ઝડપથી કામ કરવામાં આવશે. તેના માટે અધિકારીઓને સ્થળની મુલાકાત કરવાનો અને સંવેદનશીલતાને આધારે સ્થળની પસંદગી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમણે નિવાસી શાળાની ચારે તરફ મજબૂત તેમજ ઉંચી બાઉન્ડ્રી બનાવવાનો અને નિવાસી શાળા ડિઝાઈન આકર્ષક બનાવવાનો નિર્દેશ આપ્યો છે. સીએમે કહ્યું કે, વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના આવાસની વચ્ચે અન્ય એક સ્ટાફ આવાસ પણ બનાવાશે. રમતના મેદાનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તેમાં શિક્ષકો અને કર્મીઓની નિમણૂંક સમયાનુસાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થિનીઓને અહીં શ્રેષ્ઠ સુવિધાઓ આપવામાં આવશે કે જેથી તે એક આદર્શ વિદ્યાલય તરીકે સ્થાપિત થઈ શકે. તેમણે કહ્યું કે, પટનામાં બહુઉદ્દેશીય અંજુમન ઈસ્લામિયા ભવનનું નિર્માણ પણ ઝડપથી થઈ રહ્યું છે.