અમદાવાદ,તા.૧૬
ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાના પડઘા દેશભરમાં પડયા છે. ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે પણ પરપ્રાંતિયો પર હુમલા મામલે મુખ્યમંત્રી સાથે ટેલિફોનીક વાતચીત કરી પરપ્રાંતિયોને સુરક્ષા પૂરી પાડવા કહ્યું હતું. જો કે પરપ્રાંતિયો પર હુમલાની ઘટનાથી ગુજરાત સરકારથી નારાજ છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમનું આમંત્રણ આપવા માગતા ગુજરાતના મંત્રી સૌરભ પટેલને નીતિશકુમારે મળવાનો સમય જ આપ્યો નથી. ત્યારે આ મામલો સૌરભ પટેલે ખુલાસો કરતા કહ્યું કે દુર્ગાપુજા ઉત્સવને કારણે બિહારની મુલાકાત મોડી થશે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની મુલાકાતે આવવા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને આમંત્રણ આપવા તેઓ ગુજરાત પ્રતિનિધિ મંડળ સાથે આગામી તા.રર ઓકટોબર પછી બિહાર જશે. સૌરભ પટેલે બિહારના મુખ્યમંત્રીએ તેમને સમય ન આપ્યો હોવાના અહેવાલોને સ્પષ્ટ પણે નકારી કાઢતા કહ્યું છે કે બિહારમાં હાલ દુર્ગા ઉત્સવ ચાલી રહ્યો છે. આ ઉત્સવ બિહારમાં એક મોટા તહેવાર તરીકે મનાવવામાં આવે છે અને આ દિવસોમાં ત્યાં જાહેર રજાઓનો માહોલ હોય છે. તેવા સજોગોમાં ગુજરાત પ્રતિનિધિ મંડળ આ ઉત્સવ બાદ તા.રર ઓકટોબર પછી બિહાર પ્રવાસે જાય તે યોગ્ય રહે. ઉર્જા મંત્રી તા.૧પ-૧૬ ઓકટોબર દરમ્યાન કર્ણાટકના પ્રવાસે છે અને ગુજરાત પ્રતિનિધિ મંડળ સાથે ત્યાં તેમણે કર્ણાટકના મુખ્યમંત્રી અને રાજયપાલની મુલાકાત કરી તેમને પણ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે ગુજરાત વતી નિમંત્રણ પાઠવ્યું છે. રાજય સરકારના મંત્રીઓ વિવિધ રાજયોમાં ગુજરાત પ્રતિનિધિ મંડળ સાથે જઈને ત્યાં મુખ્યમંત્રી રાજયપાલ ગુજરાતી સમાજો સૌને સરદાર પટેલની વિરાટ પ્રતિમા નિહાળવા અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ કરવા ગુજરાત આવવા નિમંત્રણ આપે છે. આ સંદર્ભમાં ઉર્જા મંત્રી હાલ કર્ણાટકના પ્રવાસે છે અને તા.રર ઓકટોબર બાદ બિહારની મુલાકાત લઈને બિહાર મુખ્યમંત્રીને પણ આમંત્રણ પાઠવવાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પરપ્રાંતિયો અને ખાસ કરીને યુપી બિહારના લોકો પર થયેલા હુમલા બાદ દેશ કોઈની જાગીર નથી. તેવું આક્રમક નિવેદન આપનાર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે સૌરભ પટેલને મળવાનો ટાઈમ આપ્યો નથી.