(એજન્સી) પટણા, તા.૩
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે મુઝફ્ફરપુરમાં સરકારની મદદથી ચાલતા બાલિકા ગૃહમાં બનેલ બળાત્કાર કૌભાંડમાં ‘ખૂબ જ શરમજનક’ ગણાવ્યું હતું. એમણે કહ્યું કે અમારા રાજ્યમાં આ પ્રકારનું કૌભાંડ આચરાયું છે જેથી અમે ખૂબ જ શરમજનક પરિસ્થિતિમાં મૂકાયા છીએ. સીબીઆઈની તપાસ હાઈકોર્ટની નિગરાની હેઠળ થવી જોઈએ. મુઝફ્ફરપુરમાં બાલિકા ગૃહમાં ૪૦થી વધુ બાળકીઓ બળાત્કારનો ભોગ બની હતી. પટના મેડિકલ કોલેજ હોસ્પિટલના મેડિકલ બોર્ડે છોકરીઓની તપાસ પછી પોતાના રિપોર્ટમાં આ પ્રકારની પુષ્ટિ કરી હતી. ગુનેગારો સામે પગલાં લેવા માટે નીતિશકુમાર ઉપર ચારેબાજુથી દબાણો કરવામાં આવી રહ્યા છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે આ ઘટના બદલ જેડીયુ-ભાજપ સરકારને દોષી ગણાવી હતી. એમણે આક્ષેપો કર્યા છે કે સરકાર ગુનેગારોને રક્ષણ આપી રહી છે. તેજસ્વીએ જાહેરાત કરી છે કે, આવતીકાલે દિલ્હી ખાતે જંતર-મંતર ઉપર કૌભાંડના વિરોધમાં ધરણાં યોજવામાં આવશે. તેજસ્વીએ બધા લોકોને ધરણામાં જોડાવા વિનંતી કરી છે. આશ્રય ગૃહના માલિક બ્રજેશ ઠાકુરના રાજકીય નેતાઓ સાથે ઘનિષ્ઠ સંબંધો છે. ગઈકાલે સુપ્રીમકોર્ટે મીડિયાને કડક સૂચનાઓ આપી હતી કે પીડિતાઓના ઈન્ટરવ્યુ વારેઘડી બતાવવામાં નહીં આવે અને એમના ફોટાઓ કોઈપણ પ્રકારના સ્વરૂપમાં નહીં બતાવવામાં આવે.