(એજન્સી) પટના, તા.૩૧
પટણા હાઈકોર્ટે બિહારમાં જેડીયુ અને ભાજપા ગઠબંધનની સરકારને પડકારતી બે અરજીઓને આજે ફગાવી હતી. પટણા હાઈકોર્ટે નવરચિત એનડીએ સરકાર વિરૂદ્ધ કરાયેલ અરજી ફગાવી હતી. સરકારી વકીલે જણાવ્યું કે, નવી સરકારની રચના બંધારણીય જોગવાઈઓ મુજબ થઈ છે એ માટે અરજીઓ ફગાવાઈ હતી. કોર્ટે કહ્યું કે સરકારે ગૃહમાં વિશ્વાસ મત હાંસલ કર્યો છે. એ સંજોગોમાં કોર્ટ કંઈ કરી નહીં શકે. કોર્ટે કહ્યું કે આરજેડી પાસે બહુમત હતો તો એમણે ગૃહમાં સાબિત કરવું જોઈતું હતું પણ ફકત એ કહેવું કે અમારા પક્ષને સૌથી વધુ બેઠકો મળી છે. એ પૂરતું નથી કોર્ટે સુનાવણી આજ ઉપર મુલતવી રાખી હતી. આ બન્ને અરજીઓ આરજેડીના ધારાસભ્યો સરોજ યાદવ અને ચંદન વર્માએ અને બીજા સમાજવાદી પક્ષના સભ્ય જીતેન્દ્રકુમારે દાખલ કરી હતી. આરજેડી પાસે ૮૦ ધારાસભ્યો હતા અને જેડીયુ પાસે ૭૧ સભ્યો છે. એ પ્રમાણે વિધાનસભામાં સૌથી મોટો પક્ષ આરજેડી છે જેના લીધે એમણે અરજી દાખલ કરી હતી અને માગણી કરી કે સરકાર રચવાનો નિમંત્રણ પહેલાં અમારા પક્ષને આપવો જોઈતો હતો. રાજ્યપાલે નિર્ણય ખોટો કર્યો હતો જેને રદ કરવો જોઈએ.