(એજન્સી)
મુઝફ્ફરપુર, તા. ૨૪
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મુઝફ્ફરપુરમાં ભારે વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે જ્યારે તેઓ શ્રી ક્રિશ્ન મેડીકલ કોલેજ અને હોસ્પિટલમાં પીઆઇસીયુના ઉદઘાટન માટે જઇ રહ્યા હતા. તેનો કાફલો હોસ્પિટલ નજીક પહોંચ્યો ત્યારે બિહારના મુઝફ્ફરપુરમાં મંગળવારે મુખ્યમંત્રી નીતિશ કુમારની કાર પર શાહી ફેંકવામાં આવી અને તેમને કાળા વાવટા દેખાડાયા હતા. મુઝફ્ફરપુરમાં મુખ્યમંત્રી નીતિશ કુમારનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ગરીબ જનક્રાંતિ પાર્ટીના કાર્યકરોએ નીતિશ કુમારની ગાડી પર શાહી ફેંકી હતી અને કાળા વાવટા દેખાડ્યા હતા. આ સાથે જ કાર્યકરોએ જોરદાર નારેબાજી પણ કરી હતી. આ ઘટનામાં પોલીસે બે લોકોને હિરાસતમાં લીધા હતા જેના માન ઉમાશંકર યાદવ અને વિદ્યાર્થી નેતા અંકિત કુમારનો સમાવેશ થાય છે. પોતાની મુલાકાત દરમિયાન નીતિશ કુમાર એસકેએમસીએચ ખાતે બાળકો માટેના ૧૦૦ પથારીવાળા પીઆઇસીયુનું ઉદઘાટન કર્યું હતું. રાજ્ય સરકારે જિલ્લામાં એન્સિફેલાઇટિસની ગંભીર બીમારીને કારણે ૧૪૨ બાળકોના તાજેતરમાં થયેલા મોતને પગલે હોસ્પિટલમાં ૧૦૫ કરોડ રૂપિયાના ખર્ચે પીઆઇસીયુ સહિત અન્ય સુવિધાઓને મંજૂરી આપી હતી. મુખ્યમંત્રી અહીં કૃષ્ણ નંદન સહાયની પ્રતિમાનું અનાવરણ પણ કરવાના હતા. દિવંગત સહાય પટનાના લોકપ્રિય મેયર હતા. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, તેઓ સાત વખત પટનાના મેયર રહી ચૂક્યા છે. સહાયની પ્રતિમા મુઝફ્ફરપુરના ઝપહાં ખાતેના તિરહુત શારીરિક શિક્ષણ તાલીમ મહાવિદ્યાલયમાં સ્થાપિત કરાઇ છે.