અમદાવાદ, તા.ર૦
અમદાવાદના નિત્યાનંદ આશ્રમના વિવાદ મામલે પોલીસે આશ્રમની બે સંચાલિકા પ્રિયતત્વ અને પ્રાણપ્રિયાની ધરપકડ કરી છે. આ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે પત્રકાર પરિષદ કરીને ધરપકડ મામલે માહિતી આપી હતી. Dy.S.P કે.ટી. કમારિયાએ જણાવ્યું હતું કે બંને સંચાલિકા ઉપરાંત નિત્યાનંદ સામે પણ સમાન કલમ લગાવવામાં આવી છે. બંને સંચાલિકાની પૂછપરછ બાદ નિત્યાનંદની ધરપકડ સહિતની કાર્યવાહી અંગે વિચાર કરવામાં આવશે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, “જનાર્દન શર્માએ વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે તેમના બે બાળકોને ગોંધી રાખવામાં આવ્યા છે. તેમની પાસે બાળ મજૂરી કરાવવામાં આવી રહી છે. પોલીસે આશ્રમમાં તપાસ કરતા બંને બાળકોનો સામાન મળી આવ્યો હતો. આશ્રમમમાં બાળકોને સાથે રાખી પૂછપરછ કરતા બંને સાધ્વીઓએ પાસેથી એક ચાવી મળી આવી હતી. આ ચાવી પુષ્પક સીટીના મકાનની હતી. અહીં તપાસ કરતા બાળકોનો સામાન અને પૂજાનો સામાન મળી આવ્યો હતો. આ લોકોએ આશ્રમ ઉપરાંત અન્ય જગ્યાએ બાળકોને ગોંધી રાખ્યા હતા. આ અંગે પુરાવા મળી આવ્યા છે. આ મામલે મા પ્રાણપ્રિયા અને મા પ્રિયાતત્વની બુધવારે સવારે કાયદેસ ધરપકડ કરવામાં આવી છે.”
પોલીસે વધુમાં જણાવ્યું કે, “આશ્રમના લોકો ડોનેશન લેતા હોવાના આક્ષેપ થયા છે. આ મામલે તપાસ બાદ અમે કંઈક કહી શકીશું. આશ્રમમાં બાળકોને હેરાન કરવામાં આવતા હોવા માામલે તપાસ ચાલી રહી છે. ધરપકડ કરાયેલી બંને સંચાલિકાઓ સામે આઈપીસીની કલમ ૩૬૫ (અપહરણ), ૩૪૪ (ગોંધી રાખવું) બાળમજૂરી બાબતે કલમ ૧૪ સહીતની કલમો મુજબ ગુનો નોંધાયો છે. આ અંગે પોલીસને ઠોસ પુરાવા મળી આવ્યા છે. આ લોકોએ બાળકોને ગોંધી રાખી તેમને માતાપિતાથી સંપર્કમાં આવવા દીધા ન હતા. આશ્રમ અને પુષ્પક બંગલો બંને જગ્યાએથી પુરાવા મળી રહ્યા છે.”
પોલીસના કહેવા પ્રમાણે, “મંગળવારે તપાસ દરમિયાન ૯ અને ૧૦ વર્ષની બે બાળકી રડતાં રડતાં બહાર આવી હતી. આ બાળકીઓએ આશ્રમમાં ન રહેવાની વાત કરી હતી. તેમને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને સોંપી દેવામાં આવી છે. આ બંને બાળકીઓ દિલ્હીના રાજેશ ચૌહાણ નામના વ્યક્તિની છે.
આશ્રમમાં બાળકોને ધાર્મિક વિધિ શીખવવામાં આવતી હતી પોલીસના કહેવા પ્રમાણે આશ્રમમાં સગીર બાળકોને કોઈ ધાર્મિક વિધિનો અભ્યાસક્રમ શીખવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન તેમનું ટોર્ચરિંગ થતું હતું કે નહીં તેની તપાસ ચાલી રહી છે. વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં જનાર્નદન શર્માએ પોતાની દીકરી નંદીતા ગુમ હોવાની વાત કરી છે તે અમારા સંપર્કમાં છે. નંદીતા સતત એવું કહી રહી છે કે કોર્ટ મને જ્યારે કહેશે ત્યારે હું હાજર થઈ જઈશ. અમદાવાદ આશ્રમની બંને સંચાલિકા ઉપરાંત નિત્યાનંદ સામે પણ સમાન કલમ લગાવીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રેલો આવતા DPSએ આશ્રમ સાથેના પાંચ વર્ષનો કરાર રદ કર્યો

નિત્યાનંદના આશ્રમમાંથી કથિત રીતે ગુમ થયેલી યુવતી અને બાળકોને ગોંધી રાખવા ડીપીએસ-હિરાપુર કેમ્પસની બાજુમાં આવેલા નિત્યાંનદ આશ્રમની જમીન મુદ્દે વિવાદ વધ્યો છે. નિત્યાંનદ આશ્રમની જગ્યા કેલોરેક્સ ફાઉન્ડેશને લીઝ પર આપેલી છે. પરંતુ એ જ જમીન પર ચાલી રહેલી ડીપીએસ સ્કૂલે હ્લઇઝ્રમાં રજૂ કરેલા દસ્તાવેજોને આધારે એફઆરસીએ કરેલા ફાઇનલ ઓર્ડરમાં ક્યાંય આશ્રમની જગ્યાનો ઉલ્લેખ કર્યો નથી. આ મામલે આજે ડીપીએસ દ્વારા સ્પષ્ટતા કરાઈ હતી કે, અમે આશ્રમ સાથેનો કરાર હતો તે ટર્મિનેટ કરી દીધો છે. વર્તમાનમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે, તે જોતાં અમે પાંચ વર્ષની લીઝ હતી તે રદ કરી છે. આ લીઝ જૂનથી શરૂ થઈ હતી. આશ્રમે શૈક્ષણિક પ્રવૃત્તિ માટે જમીન માગી હતી. અમારે એમના આશ્રમમાં જવાનું કોઈ કારણ નથી અને વચ્ચે બાઉન્ડ્રી વૉલ હતી. ફ્રી ઑફ કોસ્ટ જમીન આપી હતી અને હવે જમીન ખાલી કરાવવાનો નિર્ણય લઈએ છીએ.