Ahmedabad

બંને યુવતીઓ વતી વકીલ હાઇકોર્ટ સમક્ષ હાજર થઈ યુવતીઓની એફિડેવિટ રજૂ કરી

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૦
નિત્યાનંદ આશ્રમ વિવાદમાં ગુમ થયેલી બંને યુવતીને કોર્ટ સમક્ષ રજૂ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો હતો. યુવતીના પિતાએ કરેલી હેબિયસ કોર્પસ અરજીના સંદર્ભમાં હાઈકોર્ટે આદેશ કર્યો હતો અને વધુ સુનાવણી આજ પર મુલત્વી રાખી હતી. આજે બંને યુવતીઓ વતી વકીલ હાઇકોર્ટ સમક્ષ હાજર થયા હતા અને બંને યુવતીઓ ની એફિડેવિટ રજૂ કરી હતી. હાઇકોર્ટે એફિડેવિટ યોગ્ય ફોર્મેટમાં ન હોવાનું કહી ફગાવી હતી અને કહ્યું હતું કે જો એફિડેવિટ ફાઇલ કરવી હોય તો યોગ્ય ફોર્મેટમાં હોવી જોઈએ. કોર્ટે એપણ નોંધ્યું હતું કે, રજૂ કરવામાં આવેલ એફિડેવિટ સાઉથ વર્જિનિયામાં કરવામાં આવી હતી. બીજી બાજુ પોલીસે પોતાનો એક્શન ટેકન રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, તેઓએ બંને યુવતીઓ જોડે વીડિયો કૉલિંગના માધ્યમથી વાત કરીને તેઓ જો કોર્ટમાં હાજર થવા માંગતા હોય તો સુરક્ષાની પુરી ખાતરી આપી હતી પણ બંને યુવતીઓએ પોલીસને જણાવ્યું હતું કે, તેમણે મુકેલ ૫ શરતો માનવામાં આવે તો જ તેઓ કોર્ટમાં હાજર થશે. આ ૫ શરતોમાં નિત્યાનંદ આશ્રમની ધરપકડ કરાયેલ બંને સંધિકાઓને છોડી મૂકવાની પણ એક શરતનો સમાવેશ થાય છે. બીજી બાજુ યુવતીઓના વકીલોને કોર્ટે યુવતીઓને કોર્ટમાં હાજર કરવા કહ્યું હતું અને યુવતીઓ ભારત બહાર ગઈ તેના ટ્રાવેલ ડોક્યુમેન્ટસ રજૂ કરવા આદેશ કર્યો હતો. જેના માટે યુવતીઓના વકીલોએ સમય માંગતા હાઇકોર્ટે વધુ સુનાવણી ૨૦ ડિસેમ્બરે રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાથીજણમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાંથી તેના ચાર બાળક ગુમ થયાનો આક્ષેપ પિતા જનાર્દન શર્માએ કર્યો હતો. આ આક્ષેપના પગલે ચાઈલ્ડ વેલ્ફેર અને પોલીસે કરેલી તપાસમાં શર્મા પરિવારની એક સગીર બાળા અને એક સગીર પુત્ર મળી આવ્યા હતા. જ્યારે તેની બે પુખ્ત પુત્રીની ભાળ મળી ન હતી. બાદમાં ડીપીએસ સ્કૂલે આશ્રમને જમીન લીઝ પર આપ્યા સહિતની વિગતો ખુલી હતી અને રાજ્ય સરકારે તપાસ માટે સીટની રચના કરી હતી. દરમિયાન ગુમ થયેલી બે યુવતીના પિતા જનાર્દન શર્માએ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી હતી. હાઇકોર્ટે તમામ પક્ષકારોને નોટિસ ફટકારી હતી. આ અરજીના પગલે પોલીસ દ્વારા તપાસનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો હતો. બંને યુવતીએ અત્યાર સુધીમાં ૩૦ વીડિયો જાહેર કર્યાનું પિતાએ જણાવ્યું હતું. વીડિયોના આઇપી ટ્રેસ કરતાં બંને યુવતી નેપાળમાં હોવાનું બહાર આવ્યું હતું. તમામ દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, વીડિયો સાથે કોર્ટને કાંઇ લેવા દેવા નથી બંને યુવતીને કોર્ટમાં રજૂ કરો. વીડિયોમાં આપેલા યુવતીઓના નિવેદનથી કોર્ટ સંતુષ્ટ નથી, તે રૂબરૂ કોર્ટમાં હાજર રહી નિવેદન આપે, ગુમ થયેલી નિત્યનંદિતાએ હાઇકોર્ટ રજીસ્ટરને એફિડેવિટ કરીને મોકલ્યું છે. પણ કોર્ટ તેનાથી સંતુષ્ટ નથી. એફિડેવિટ ફોર્મેટમાં નથી તેવુ પણ હાઇકોર્ટે ટાંક્યું હતું.