(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૧
હાથીજણ ખાતેના નિત્યાનંદ આશ્રમ કેસમાં એસઆઈટીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં આશ્રમમાંથી લેપટોપ, ટેબ્લેટ, મોબાઈલ સહિતની વસ્તુઓ કબજે કરી છે. આ કેસમાં પોલીસે ડી.પી.એસ.ના આચાર્ય હિતેશપુરી અને પુષ્પક સિટીના મેનેજર બકુલ ઠક્કરની ધરપકડ કરી છે. આ પરથી નિત્યાનંદ સ્વામી સુધી પોલીસનો પંજો પહોંચે તે દિવસ હવે દૂર નથી. હાથીજણ પાસે આવેલા નિત્યાનંદ આશ્રમમાં કથિત રીતે બાળકોને ગોંધી રાખવા અને યુવતીઓ ગુમ થવા કેસની તપાસ કરી રહેલી એસઆઈટીએ આજે આશ્રમમાં તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે ૪૩ ટેબ્લેટ, ૧૪ લેપટોપ, ૪ મોબાઈલ, પેનડ્રાઈવ સહિત વસ્તુઓ એફએસએલમાં મોકલવામાં આવશે. તેમજ નિત્યાનંદ આશ્રમને જગ્યા ભાડે આપી પોલીસને જાણ ન કરવા બદલ ડીપીએસના પ્રિન્સિપાલ હિતેશ પુરીની અટકાયત કરવામાં આવી છે. આ મામલે શંકાના દાયરામાં આવેલી ડીપીએસ સ્કૂલે આશ્રમ સાથેની સીએસઆર એક્ટિવિટ માટેનો કરાર રદ કર્યો હતો. આ ઉપરાંત કેલોરેક્સ ફાઉન્ડેશને લીઝ રદ કરી ડીપીએસના કેમ્પસમાં આવેલા આશ્રમને ત્રણ મહિનામાં ખાલી કરી દેવા નોટિસ આપી હતી અને આશ્રમના ર૪ બાળકો હોવાનું સૂત્રોનું કહેવું છે. જ્યારે આશ્રમને ભાડે જગ્યા આપી પોલીસ સ્ટેશનમાં જાણ ન કરવાને લઈ કેલોરેક્સના હિતેશ પૂરી સામે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ હિતેશપુરીની અટકાયત કરવામાં આવી છે. જ્યારે આશ્રમ દ્વારા ભાડે રાખવામાં આવેલા પુષ્પક સિટીના ત્રણ મકાનનો પરેશ પટેલ નામના વ્યક્તિના નામે ભાડા કરાર કરવામાં આવ્યો હતો. પુષ્પક સિટીના મેનેજર બકુલ ઠક્કરે પરેશ પટેલને ભાડે મકાન આપ્યું છે. જે અંગે પણ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી નથી, જેને લઈ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આથી આજરોજ પોલીસે હિતેશપુરી અને બકુલ ઠક્કરની ધરપકડ કરી છે.