અમદાવાદ, તા.૧૯
લંપટ નિત્યાનંદના અમદાવાદના આશ્રમમાં યુવતીઓને ગોંધી રાખવાનો વિવાદ દિવસેને દિવસે વેગવાન બની રહ્યો છે, ત્યારે આ મામલે હવે લંપટ નિત્યાનંદએ એક વીડિયો દ્વારા ગુજરાતમાં તેના ભક્તોને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાનું કહીને ધમકીની ભાષામાં કહ્યું છે કે, “મારા આશ્રમના ભક્તોને કંઈ થયું તો જોઈ લઈશ.” જો કે, હજુ આશ્રમ ઉપર લાગેલા આરોપો મામલે તપાસ કરવા સીટની રચના કરાઈ છે. ગૂમ યુવતીઓને તાત્કાલિક શોધવા ડીજીપીએ સીટને સૂચના આપી છે. શહેરના છેવાડે હાથીજણમાં આવેલા નિત્યાનંદના આશ્રમમાં કથિત રીતે ગોંધી રખાયેલી પોતાની પુત્રીને મળવા માટે મથામણ કરી રહેલા બેંગાલુરુના પરિવારને આશ્રમ સંચાલકોએ મળવા દીધો નથી.આ મામલે પોતાનો પક્ષ રાખતા સ્વામી નિત્યાનંદે ટિ્‌વટર પર એક વીડિયો પોસ્ટ કરી જણાવ્યું છે કે અમારા અનુયાયીઓ શ્રેષ્ઠ છે પણ ગુજરાતમાં અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. હું પહેલા તમને મારું સ્ટેન્ડ કહી દઉં, જે કોઈ મારા પર હુમલો કરે છે તે સિક્રેટ જાણે છે કે, જો મારા ભક્તોને શિકાર બનાવવામાં આવશે તો હું સમાધાન કરી લઈશ. તેઓ જાણે છે કે જો તેમના ભક્તોને નિશાન બનાવાશે તો હું ઝુકી જઈશ. તેમણે મને ઝુકાવવા એક વ્યૂહ અપનાવ્યો છે. પરંતુ હું ઝુકવાનો નથી. મારા ગુજરાતના ભક્તો શિસ્તબદ્ધ, સત્યનિષ્ઠ અને અસાધારણ ભક્તો છે. મારા ગુજરાતના ભક્તો શ્રેષ્ઠ છે, તેમની મારા પ્રત્યેની વફાદારી છે. આ પ્રકારની સ્થિતિમાં પણ મારી રીતે મજબૂત રીતે ઉભા છે. મીડિયા દ્વારા તેને અલગ અલગ એંગલથી નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મારા ગુજરાતના ભક્તોને કંઈ થયું તો જોઈ લઈશ. પોલીસે નિત્યાનંદ અંગેની માહિતી મેળવવા તજવીજ હાથ ધરી છે. આ અંગે કર્ણાટક અને તમિલનાડુ પોલીસ પાસે માહિતી માગી છે. જો કે નિત્યાનંદ હાલ વિદેશમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, ગઈકાલે નિત્યાનંદિતાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી હતી. તેમજ આજે સીટની ટીમે શંકાસ્પદ ગતિવિધિઓને લઈ આશ્રમમાં તપાસ શરૂ કરી છે. જ્યારે નિત્યાનંદિતાની જ્યાં શંકાસ્પદ અવર-જવર રહેતી હતી તેવી પુષ્પક સિટીમાંથી નિત્યાનંદિતાની વસ્તુઓ જપ્ત કરી છે. આ ઉપરાંત રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ એસપી રાજેન્દ્ર અસારી અને આઈજી એ.કે.જાડેજાને ગાંધીનગર બોલાવી તપાસ કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમજ બન્ને યુવતીઓને તાત્કાલિક શોધવા સૂચના પણ આપી હતી.

આશ્રમની નજીકના ગામના લોકોને રોજગારીના નામે આશ્રમમાં જોડવાનો કારસો

અમદાવાદના હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમનો વિવાદ થયા બાદ એક પછી એક નવા ખુલાસાઓ થવા લાગ્યા છે. આશ્રમની પ્રવૃતિઓ પણ શંકાસ્પદ છે. આશ્રમના સંચાલકો અને અન્ય લોકોએ મળીને આસપાસમાં રહેતા ગામના ભોળા લોકોને રોજગારીના નામે લલચાવીને આશ્રમમાં જોડાવા ઓફરો કરાતી હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે. તેમજ હીરાપુર ગામના બાળકોને યોગ શીખવાડવાના બહાને આશ્રમમાં બોલાવાનો કારસો રચવામાં આવ્યો હતો. તેમજ આશ્રમમાં રસોઈના નામે ગ્રામજનોની મદદ માગવામાં આવી હતી. તદઉપરાંત ગામના યુવાનોને નિત્યાનંદના સત્સંગની ઓડિયો કલીપ સોશિયલ મીડિયા મારફતે મોકલીને જીવન બદલાઈ જવાના સપના બતાવી બ્રેન વોશ કરવાનો પણ પ્રયાસ કરાતો હોવાની ચોંકાવનારી વિગતો મીડિયાની તપાસમાં બહાર આવી છે.

ગુજરાત પોલીસે કર્ણાટક અને તમિલનાડુથી નિત્યાનંદની માહિતી મંગાવી

અમદાવાદના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નિત્યાનંદ આશ્રમમાંથી યુવતિના ગુમ થવાના મામલે અને બે બાળકોને ગોંધી રાખવાના કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. સીટની ટીમે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ મામલે મુખ્ય આરોપી નિત્યાનંદ સુધી પહોંચવા પણ પોલીસે તપાસ તેજ કરી છે. મળતી માહિતી પ્રમાણે નિત્યાનંદ હાલ વિદેશમાં છે અને તેની સામે કેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેના ઠેકાણાઓ ક્યાં છે તેના માટે પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી છે અને કર્ણાટક પોલીસ અને તમિલનાડુ પોલીસને પત્ર લખી તેની સંપૂર્ણ માહિતી મેળવવા કાર્યવાહી કરી રહી છે. નોંધનીય છે, ભોગ બનનાર બાળકોના પિતાએ નિત્યાનંદમાં પ્રાણપ્રિયા સહિત ૩ લોકો સામે અલગ-અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે, જેથી પોલીસે ફરિયાદ દાખલ કરી બાળકોને સાથે રાખી વીડિયોગ્રાફી સાથે તપાસ કરી રહી છે. આ સિવાય પોલીસ દ્વારા ઈમિગ્રેશન વિભાગની મદદ પણ લેવામાં આવી રહી છે.

નિત્યાંનદ વિવાદમાં નવો ખુલાસો : નવા આશ્રમ માટે જમીન લીધી હોવાનું ખૂલ્યું

અમદાવાદ, તા.૧૯
અમદાવાદ નિત્યાનંદ આશ્રમ મામલે પોલીસ તપાસ તેજ કરી દીધી છે. પોલીસે નિત્યાનંદની માહિતી મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત પોલીસ તમિલનાડુ અને કર્ણાટક પોલીસના સંપર્કમાં છે. નિત્યાનંદ હાલ વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. ત્યાં જ હવે આ મામલે નવો ખુલાસો થયો છે. નિત્યાનંદના આશ્રમ માટે નવી જમીન શોધવામા આવી હતી. આશ્રમથી થોડા દૂર ૨ વિઘા જમીન પર નવો આશ્રમ બનવાનો હતો. આ આશ્રમ માટે ભૂમી પુજન અથવા તો ધાર્મિક વિધિ પણ કરવામા આવી હતી. જમીન પર નિત્યાનંદની ધજા પણ મળી આવી છે. આ જમીન વસંત નામના વ્યક્તિની હોવાનું સામે આવી રહ્યું છે.

ગુમ યુવતી નિત્યાનંદ સાથે વેસ્ટઈન્ડિઝમાં હોવાની શંકા

અમદાવાદ, તા.૧૯
નિત્યાનંદ આશ્રમ મામલામાં તપાસનો દોર જોરદાર રીતે ચાલી રહ્યો છે ત્યારે ચાર બાળકોને લઇને વિવાદ વધુ ઘેરો બન્યો છે જેમાં ૨૧ અને ૧૮ વર્ષની બે બહેનો અને તેમના ૧૩ વર્ષના ભાઈને લઇને આ મામલો છેડાયો છે. આ સમગ્ર મામલામાં હવે પોલીસે શોધખોળના ભાગરૂપે ઇમિગ્રેશન વિભાગ પાસે મદદ માંગી છે. નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલામાં યુવતીઓ અને નિત્યાનંદને શોધવા પોલીસ વધુ આક્રમક બની ગઈ છે. યુવતીઓ વીઓઆઈપીથી કોલ કરે છે જેથી તેમના અંગે માહિતી મળી રહી નથી. પોલીસે નિત્યાનંદના મામલામાં કર્ણાટક અને તમિળનાડુ પોલીસ સાથે પણ સંપર્ક કર્યો છે. સાયબર સેલની મદદ પણ લેવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓ હજુ સુધીની તપાસના આધારે માની રહ્યા છે કે, ૨૧ વર્ષીય યુવતી વેસ્ટઇન્ડિઝમાં ત્રિનિદાદ ખાતે હોઈ શકે છે અને નિત્યાનંદ પણ તેમની સાથે હોઈ શકે છે. ઇમિગ્રેશન વિભાગની મદદ લઇને વધુ તપાસ આગળ વધી છે. નિત્યાનંદ પોતે પણ વિદેશમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.