અમદાવાદ, તા.૨૨
દક્ષિણ ભારતના વિવાદાસ્પદ આધ્યાત્મ ગુરુ સ્વામી નિત્યાનંદનો અમદાવાદ શહેરની અડીને આવેલા હિરાપુરમાં નવો બનેલો આશ્રમ વિવાદમાં છે. અમદાવાદ શહેરના હાથિજણ નજીકના હિરાપુર ગામની સીમમાં ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં ૧૦ મહિના પહેલાં જ શરૂ થયેલો સ્વામી નિત્યાનંદનો યોગીની સર્વાજ્ઞપીઠમ આશ્રમ વિવાદમાં આવ્યો છે. નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં તંત્ર હરકતમાં આવતા આ કેસમાં ગણા ખુલાસાઓ થઇ રહ્યા છે. તંત્ર દ્વારા બે યુવતી ગુમ થવા મુદ્દે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા એવું પણ જાણકારી આપવામાં આવી છે કે, હાથીજણ સ્થિત આશ્રમનું કોઈ સરકારી ચોપડે રજીસ્ટ્રેશન નથી. આશ્રમનું ગુજરાતમાં રજીસ્ટ્રેશન નથી થયું. હાલ નિત્યાનંદ આશ્રમ વિવાદમાં નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હીરાપુરમાં આવેલા નિત્યાનંદ આશ્રમથી કથિત રીતે ગુમ થયેલી યુવતીઓ અને બાળકોને ગોંધી રાખવા મામલે ગુરૂવારે SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)એ આશ્રમમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમયે સીટને ૪૩ ટેબ્લેટ, ૧૪ લેપટોપ, ૪ મોબાઈલ, પેન ડ્રાઈવ સહિતની વસ્તુઓ મળી હતી. આ અંગે અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી કે.ટી.કામરિયાએ જણાવ્યું કે, આ ટેબ્લેટનો કોણ ઉપયોગ કરતું હતું તેની આરોપી સાધિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે, કબ્જે લેવાયેલ ગેજેટની તપાસ કર્યા બાદ જ નિત્યાનંદની ધરપકડ માટે કાર્યવાહી માટે આગળ વધીશુ. તેના પાસપોર્ટની વિગતો હજુ સુધી મળી નથી. તેની પાસે રહેલા હાલના પાસપોર્ટની મુદ્દત પુરી થઈ ગઈ છે,તપાસ દરમ્યાન જરૂર જણાશે તો અમે કર્ણાટક જઈશું. ડીવાયએસપીએ આગળ કહ્યું કે, તેમજ હીલિંગની શું પ્રક્રિયા થતી હતી તે અંગે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બંને યુવતીઓ(તત્વપ્રિયા અને નિત્યાનંદિતા)પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરતી હોવાથી તેઓનું આઇપી એડ્રેસ ટ્રેસ થતું નથી. તેમજ ગુજરાતના આશ્રમમાં નિત્યયાનંદનો શું રોલ હતો?તે અંગે પણ તપાસ કરી રહ્યા છીએ.

SIT દ્વારા વિદેશ મંત્રાલયને કરાયો રિપોર્ટ

અમદાવાદ, તા.રર
અમદાવાદના હાથીજણ સ્થિત સ્વામી નિત્યાનંદના આશ્રમમાંથી ગુમ થયેલી યુવતી મામલે તપાસ કરી રહેલી એસઆઇટીએ નિત્યાનંદ ફરતે ગાળિયો કસ્યો છે. સીટએ વિદેશ મંત્રાલયને ગુમ યુવતીઓ અંગે માહિતી આપી તપાસ વધુ સઘન બનાવી છે. તો બીજી તરફ પોલીસે આશ્રમના બંને સગીર બાળકોને તેમના માતા-પિતાને સોંપ્યા છે. હાલ તો પોલીસને નિત્યાનંદના કોઈ સગડ નથી મળ્યા. પરંતુ તે તેમના તમામ આશ્રમના સંચાલકો અને સેવિકાઓ સાથે ડિજીટલી સંપર્કમાં હોવાનું પોલીસ માની રહી છે. નિત્યાનંદ આશ્રમ વિવાદ વધુ પેચીદો બન્યો છે ત્યારે અમદાવાદના હાથીજણ સ્થિત સ્વામી નિત્યાનંદના યોગીની સર્વાંજ્ઞ પીઠમ આશ્રમમાંથી ગુમ થયેલી યુવતીઓ મામલે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે નિત્યાનંદ ફરતે ગાળિયો કસ્યો છે. આશ્રમમાંથી ગુમ થયેલી બંને યુવતીઓની તપાસ કરનારી સીટની ટીમે વિદેશ મંત્રાલયને યુવતીઓ અંગે જાણકારી આપી છે. મળતી માહિતી પ્રમાણે સીટની ટીમે મિન્સ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સને ગુમ થયેલ યુવતીઓ અંગેનો વિગતવાર રિપોર્ટ રજૂ કર્યો છે. એસઆઈટીની આ કાર્યવાહીથી નિત્યાનંદની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. બીજી તરફ આશ્રમના બંને સગીર બાળકોને એસઆઈટીની ટીમે તેમના માતા પિતાને સોંપ્યા છે. બંને બાળકો દિલ્હીના રહેવાસી છે. આશ્રમના બંને બાળકોએ પોલીસ પૂછપરછમાં પોતાના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને લઈને સીટની ટીમે બાળકોને તેમના માતા પિતાને સોંપ્યા છે.