અમદાવાદ, તા.રપ
નિત્ય આનંદમાં રહેવા બાળકો અને બાળકીઓનો ઉપયોગ કરતાં લંપટ સ્વામી નિત્યાનંદના અમદાવાદ સ્થિત આશ્રમનો વિવાદ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. નિત્યાનંદ લંડનની એક મહિલા ભકતને બિભત્સ મેસેજ મોકલતો, હિલિંગના નામે વશીકરણ કરી રૂપિયા પડાવતો, ડોનેશન અને કાર્યક્રમોના નામે સોનું, ચાંદી અથવા રૂપિયા પડાવતો અને સ્ત્રી-પુરૂષ બન્ને સાથે શારીરિક સંબંધ રાખતો હોવાનો ખુલાસો થયો છે. નિત્યાનંદની સાધુ કે સંત નહીં પરંતુ કામાસ્વામી હોવાની છબિ ઉપસી રહી છે. નિત્યાનંદનો એકમાત્ર આશય અશો-આરામ અને ભોગવિલાસ હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે નિત્યાનંદના કાળા કરતૂતનો વધુ એક ખુલાસો થયો છે જેમાં નિત્યાનંદ લંડનની એક શિષ્યાને બિભત્સ મેસેજ અને ફોટા મોકલતો હતો. આ લંપટ સ્વામી આટલેથી ન અટકતા શિવના ફોટાની જગ્યાએ પોતાનો ચહેરો રાખી પાર્વતી સાથે વાંધાજનક સ્થિતિના ફોટા શેર કરતો હોવાનું પણ બહાર આવ્યું છે. નિત્યાનંદ આશ્રમની ઘણા દિવસોથી ગુમ યુવતી અને જનાર્દન શર્માની દીકરી નિત્યાનંદિતા વીડિયો કોલિંગથી વાત કરી રહી છે. તો પણ પોલીસને જાણ નથી કે આ યુવતી કયા સ્થળેથી વાત કરી રહી છે. ઉપરાંત નિત્યાનંદ હિલિંગના નામે વશીકરણ કરીને રૂપિયા પડાવતો હતો.
નિત્યાનંદ મામલે એવો પણ ખુલાસો થઇ રહ્યો છે કે, તે સ્ત્રી-પુરુષ બન્ને સાથે શારીરિક સંબંધ રાખતો બતો અને બન્નેનું શોષણ પણ કરતો હતો. નિત્યાનંદે લંડનની મહિલાને પર્સનલ સેક્રેટરી બનવાનું કહ્યું હતું. નિત્યાનંદ હિંદુત્વના નામે વિદેશીઓને આકર્ષે છે. આ જ હિંદુત્વ છે તેવી ધારણાઓ લંપટ નિત્યાનંદ ફેલાવે છે. નિત્યાનંદ સદાશિવોહમ નામથી મોંઘા હિલિંગના પ્રોગ્રામ ચલાવે છે. અને ડોનેશન અને કાર્યક્રમોના નામે કાં તો સોનું-ચાંદી લે છે કાં તો અમેરિકાના એક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવે છે. તેવું જાણવા મળ્યું છે. અમેરિકામાં નિત્યાનંદનો કોઈ સંબંધી આ એકાઉન્ટ સાચવે છે. ઉલ્લેખનીય છે કે, લોકોને મૂરખ બનાવતો હોવાના કારણે મલેશિયામાં નિત્યાનંદ પર પ્રતિબંધ લાગેલો છે. મલેશિયામાં નિત્યાનંદના વીડિયો બ્રોડકાસ્ટિંગ પર પણ રોક છે. દ્ગઇૈં માટે ભારતમાં ગેરકાયદેસર રૂપિયા ઘુસાડવાનું માધ્યમ પણ નિત્યાનંદ બનતો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે નિત્યાનંદ અને નિત્યાનંદ આશ્રમ મામલે રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા હોવાથી પોલીસ પણ મૂંઝવણમાં છે.

આશ્રમની બંને સંચાલિકાઓના વધુ બે દિ’ના રિમાન્ડ મંજૂર

અમદાવાદ, તા.રપ
નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકા સાધિકાઓ પોલીસના પાંચ દિવસના રિમાન્ડ પર છે. આજરોજ બંનેના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે બંનેને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે બંનેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નિત્યાનંદ આશ્રમની બંને સંચાલિકા સાધિકાઓના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ પોલીસ દ્વારા અમદાવાદ મેટ્રો કોર્ટમાં વધુ ૩ દિવસના રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવી હતી. સાધિકાઓના એડવોકેટ દ્વારા દલિલ કરવામાં આવી હતી કે, જે કારણો રિમાન્ડ અરજીમાં બતાવવામાં આવ્યા છે તેમાં બંને આરોપીઓની હાજરીની જરૂર નથી. એટીએમ કાર્ડ મળ્યા છે, તે મામલે જે તે બેંકમાં જઇ ટ્રાન્જેક્શન થયા છે કે, નહીં તે અંગેની તપાસ કરી શકે છે. આ દલિલોના સપોર્ટમાં વકીલે અન્ય કેસના ચુકાદા કોર્ટમાં રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેમની ધરપકડની કોઇ જરૂર નથી. બંનેની ધરપકડ ખોટી કરી છે. પોલીસ દ્વારા રિમાન્ડની ફેવરમાં દલિલો કરતા જણાવવામાં આવ્યું હતું કે, ૫ દિવસના રિમાન્ડ અપૂરતા છે, તપાસ હજુ પૂરી નથી થઈ શકી. વળી સાધિકાના બેંક લોકરમાંથી ૬ મોબાઈલ મળ્યા છે, તે વિશે બંને આરોપી કહે છે કે, આશ્રમમાં જનરલ ઉપયોગ થતો હતો, તે કોને અને ક્યાં ફોન કર્યા હતા કે વાપર્યા તે જાણવાનું બાકી છે, તો રોકડ રકમ વગેરે તમામ બાબતે વધુ તપાસ અનિવાર્ય છે. માટે જ પોલીસ દ્વારા કોર્ટ પાસે વધુ રિમાન્ડ માંગવામાં આવ્યા છે. બંને પક્ષની તમામ દલિલો સાંભળ્યા પછી કોર્ટ દ્વારા બંને આરોપીના ૨૭ તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરી દેવામા આવ્યા છે.