(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
બે મહિના પહેલાથી આયકર વિભાગ દ્વારાબિટકોઇન એજન્ટ અને ખરીદનારાઓને ત્યાં સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આયકર વિભાગે અત્યાર સુધી ૪૦૦ લોકોના નિવેદન લીધા છે અને હજી પણ આયકર વિભાગ દ્વારા કાર્યવાહી હાલ કાર્યરત હોવાનું જાણવા મળે છે. આયકર વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ડીઆઇઆર વિંગ દ્વારા શહેરના છ બિટકોઇન એજન્ટ સહિત કેટલાક ખરીદનારાઓ પર એક સાથે તપાસ કરવામાં આવી હતી, જેમાં વિભાગે ઢગલાબંધ દસ્તાવેજો જપ્ત કર્યા હતાં. વિભાગે તપાસ દરમિયાન તમામ એજન્ટોને બોલાવી તેમની પાસે બિટકોઇન ખરીદનારાઓની માહિતી મેળવી હતી, હવે વિભાગે બિટકોઇન ખરીદનારાઓની પૂછપરછ શરૂ કરી છે, અત્યાર સુધી અધિકારીઓ દ્વારા ૪૦૦ જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી છે. જોકે, અત્યાર સુધી કેટલાક લોકોને નોટીસ આપી હોવા છતાં હાજર નહીં હોવાથી પૂછપરછ કરી શકાઇ નથી. આવનારા દિવસોમાં પણ કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, બિટકોઇન ખરીદનારાઓમાં જે લોકોની તપાસ કરવામાં આવી છે. તે પૈકી કેટલાક મોટા બિલ્ડર્સ પણ સામેલ છે. આયકર વિભાગના અધીકારીઓનું કહેવું છે કે, તેઓ બિટકોઇન ખરીદ વેચાણની વિગતો બેલેન્સશીટમાં દર્શાવી છે કે, નહીં તે અંગે પૂછપરછ કરી રહ્યા છે. તેમાં મોટોભાગના લોકોએ તેમનું કાળુંનાણુ છુપાવવા માટે બિટકોઇન ખરીદીની માહિતી છુપાવી હોવાની વાસ્તવિકતા બહાર આવી છે. આયકર વિભાગનું માનવું છે કે, તપાસ બાદ મોટી રકમની આયકર ચોરી બહાર આવે તેવી શક્યતા વર્તાઇ રહી છે.