(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર/ભરૂચ, તા.૧પ
ભાજપના સાંસદો-ધારાસભ્યો તેમના નિવેદનો તથા કામગીરીને લઈને સતત ચર્ચામાં અને વિવાદમાં રહે છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ આજે પોતાના નિવેદનને લઈને વિવાદાસ્પદ સ્થિતિમાં મૂકાઈ જવા પામ્યા છે. ભરૂચમાં સ્વચ્છતા અભિયાન દરમ્યાન સાંસદના હાથમાં દેશી દારૂની ખાલી પોટલીઓ આવતાં તેમણે હળવી કોમેન્ટ કરી હતી કે “પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ” તેમની આ કોમેન્ટ કેમેરામાં કેદ થઈ જતા તેઓ ક્ષોભજનક સ્થિતિમાં આવી જવા પામ્યા હતા. સ્વચ્છતા અભિયાન દરમ્યાન સાંસદ મનસુખ વસાવાએ એક મોટો લોચો માર્યો હતો. સાંસદના આવા નિવેદનથી એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બેફામ રીતે દારૂ પીવાય છે. છતાં તંત્ર કે સરકાર કોઈ પગલા લેતી નથી. ભરૂચમાં આજે સ્વચ્છતા અભિયાન દરમ્યાન સાંસદ મનસુખ વસાવા પણ જોડાયા હતા. જે દરમિયાન સાંસદ મનસુખ વસાવાના હાથમાં જાણે કે એકલી કથિત દેશી દારૂની ખાલી પોટલીઓ જ ઉઠાવવાનો વારો આવ્યો હોય તેમ નજરે પડ્યું હતું.સાંસદ જેમ જેમ આગળ વધતા તેમ તેમ તેઓ ખાલી પોટલીઓ ઉઠાવતા હતા. સાથે જ સાંસદથી ન રહેવાયું તો કેમેરા સામે જ કોમેન્ટ પણ આપી દીધી કે “પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યા એ પીઓ” આ રીતે વિવાદિત કોમેન્ટ આપતા કેમેરામાં કેદ થતાં વિવાદ સાથે ચર્ચાઓ શરૂ થઈ જવા પામી હતી. ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે શું કસક વિસ્તારમાં ખરેખર દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. દેશી દારૂની ખાલી કોથળીઓ તંત્રની ઢીલાશ અને બેફામ બનેલા બુટલેગરોની સક્રિયતા વિષે ઘણું બધું કહી જાય છે.