(એજન્સી) તા.ર૭
અમેરિકાના સમાચાર ચેનલ સીએનએનના પ્રમુખ જેફ ઝુકરે કહ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વ્હાઈટ હાઉસને મીડિયા પર થઈ રહેલા હુમલાઓની ગંભીરતા વિશે સમજ નથી. ઉલ્લેખનીય છે કે, બુધવારે સીએનએનના ન્યુયોર્ક સ્થિત કાર્યાલયે વિસ્ફોટક સામગ્રી મોકલવામાં આવી હતી. આ વિસ્ફોટકનું પેકેટ અન્ય નેતાઓનો મોકલવામાં આવેલા વિસ્ફોટકોના પેકેટ સાથે મળતું આવતું હતું. પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્ર આ માનવા માટે તૈયાર નથી કે સીએનએનને પણ લક્ષ્યાંક બનાવવામાં આવ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રનું માનવું છે કે, સીએનએનના સરનામે વિસ્ફોટકો ભૂલથી મોકલવામાં આવ્યા હતા. કારણ કે તે શંકાસ્પદ પેકેટ પર સીઆઈએના પૂર્વ વડા જોન બ્રેનનનું નામ હતું. જે સતત પ્રમુખ ટ્રમ્પની નિંદા કરી રહ્યા છે. સીએનએન વર્લ્ડ વાઈડના અધ્યક્ષ ઝુકરે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ અને ખાસ કરીને વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવને આ સમજવું જોઈએ તેમની વાતો મહત્ત્વ ધરાવે છે. અત્યાર સુધી તેમણે આવી કોઈ સમજણ દર્શાવી નથી. ઉલ્લેખનીય છે કે, વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ આરાહ સેન્ડસે સત્તાવાર નિવેદનમાં આ હુમલાની નિંદા કરતી વખતે સીએનએનના નામનો ઉલ્લેખ કર્યો ન હતો.