અમદાવાદ, તા.પ
પાસના કન્વીનર અને યુવા નેતા હાર્દિક પટેલ છેલ્લા ૧ર દિવસથી આમરણાંત ઉપવાસ પર છે ત્યારે તેને દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે ત્યારે બુધવારના રોજ મુંબઈ હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ બી.જી. કોલસે પાટીલે પણ હાર્દિકની મુલાકાત લીધી હતી. નિવૃત્ત જજે હાર્દિક સાથે સમય પણ વીતાવ્યો હતો. તેઓ હાર્દિકના ઉપવાસ સ્થળે પહોંચ્યા અને પોલીસનો કડવો અનુભવ થયો હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, હ્યુમન રાઈટ કાર્યકર હોવાને નાતે ઘણીવખત જેલમાં મળવા માટે જઉં છું. પરંતુ આજે અહીં જે અનુભવ થયો છે અને જે જોવા મળ્યું તેવું ક્યાંય જોવા મળ્યું નહીં. અહીં મને મારી જાત વિશે પૂછવામાં આવ્યું. અહીં બંધારણના તમામ કલમોને સસ્પેન્ડ કરી છે. અહીં જેલમાં ઉપવાસ થઈ રહ્યા હોય તેમ લાગે છે. અહીં હાર્દિકને મળવાવાળા બધા આરોપીઓ હોય તેવું વર્તન થઈ રહ્યું છે. તેમ નિવૃત્ત જજે જણાવ્યું હતું.