(એજન્સી) તા.૯
ઉ.પ્ર. સરકાર જો ૫૦ વર્ષ કે તેથી વધુ ઉમરના કર્મચારીઓ તેમની ફરજમાં બેદરકાર જણાશે તો તેમને ફરજિયાત નિવૃત્તિ આપી દેવાનું વિચારી રહી છે. આ અંગેના આદેશથી રાજ્યના ૧૬ લાખ કર્મચારીઓ નારાજ થયા છે. અધિક મુખ્ય સચિવ મુકુલ સિંઘલ દ્વારા જારી કરાયેલા સરકારી આદેશમાં તમામ વિભાગીય વડાઓને જણાવાયું છે કે તેમણે ૫૦ વર્ષથી વધુ વય ધરાવતા તમામ કર્મચારીઓની ૩૧ જુલાઇ સુધીમાં ફરજિયાત નિવૃત્તિ માટેની તપાસ પૂરી કરવી જોઇએ. ૫૦ વર્ષની વય માટે કટઓફ ડેટ ૩૧ માર્ચ ૨૦૧૮ ગણવામાં આવશે. આદેશમાં જણાવાયું છે કે આ તારીખ સુધીમાં જેમણે ૫૦ વર્ષની ઉમર પૂરી કરી હોય તેમનું ફરજિયાત નિવૃત્તિ માટે સ્ક્રિનીંગ કરવામાં આવશે. તેમાં એવું પણ જણાવાયું હતું કે નિયમો અનુસાર કોઇ પણ સરકારી કર્મચારી હંગામી હોય કે કાયમી તે નિવૃત્તિ માટે વિકલ્પ પસંદ કરી શકે છે. જો કે સરકારના આ આદેશથી કર્મચારીઓ નારાજ છે. યુપી સચિવાલય કર્મચારી સંઘના પ્રમુખ યાદવેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે આ પ્રકારના પ્રયાસો પાછળ કર્મચારીઓને હેરાન કરવાનો મકસદ છે. આવા પ્રયાસો સાંખી લેવામાં આવશે નહીં એવું જણાવીને તેમણે ઉમેર્યુ હતું કે આ આદેશની ચર્ચા કરવા આવતી કાલે એક બેઠક બોલાવવામાં આવી છે જેમાં આગળનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવશે. આ પ્રકાના આદેશો ૧૯૮૬થી અમલમાં છે પરંતુ કેટલાય વિભાગો દ્વારા તેનો વાસ્તવિક ધોરણે અમલ કરવામાં આવતો નથી. આ આદેશનો અમલ સુનિશ્ચિત કરવા હવે તમામ વિભાગીય વડાઓને ૩૧ જુલાઇ સુધીમાં ફરજિયાત નિવૃત્તિના હેતુ માટે કર્મચારીઓનું સંપૂર્ણ સ્ક્રિનીંગ કરવાની સૂચના આપવામા ંઆવી છે. જેમણે ૫૦ વર્ષની ઉમર ૩૧ માર્ચ ૨૦૧૭ના રોજ પૂરી કરી હશે એવા તમામ સરકારી કર્મચારીઓ માટે આ સ્ક્રિનીંગ ટેસ્ટ ફરજિયાત છે. એવો અંદાજ છે કે ૪ લાખ કરતા વધુ સંખ્યામાં આવા રાજ્ય સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ સ્ક્રિનીંગ માટે પાત્ર બનશે અને તેમની કામગીરી અને કાર્ય અંગે વિસ્તૃત અહેવાલ ૩૧ જુલાઇ સુધીમાં સુપરત કરવામાં આવશે.