(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૪
અમેરિકાના ટેક્સાસમાં આવેલા હ્યુસ્ટન શહેરના એનઆરજી ફૂટબોલ સ્ટેડિયમમાં યોજાયેલી ‘હાઉડી મોદી’ ઇવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રવચન રાજકારણમાં તેમનું બેવડું ધોરણ દર્શાવે છે. એમેરિકામાં વિદેશી ભારતીયો દ્વારા યોજવામાં આવેલી ‘હાઉડી મોદી’ ઇવેન્ટમાં પીએમ મોદીએ તેમનું પ્રવચન હિન્દી ભાષામાં આપ્યું હતું. મોદીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે ‘ભારત મે સબ અચ્છા હે’. પીએમ મોદી આ વાક્ય માત્ર હિન્દી ભાષામાં બોલીને અટક્યા નહોત પરંતુ તેમણે આ જ વાક્ય ગુજરાતી, પંજાબી, બાંગ્લા, તમિળ, કન્નડ અને તેલગુ સહિત આઠ અન્ય ભારતીય ભાષાઓમાં દોહરાવ્યું હતું. મોદી દ્વારા એક જ વાક્યનું આઠ ભારતીય ભાષાઓમાં પુનરાવર્તન કરવાથી એવું લાગે છે કે તેઓ પોતાનું પ્રવચન સાંભળવા માટે વિભિન્ન ભાષા બોલતા ભાજપના વિદેશી સમર્થકોને ખુશ કરવા માગતા હતા. જો પીએમ મોદી રાજકીય લાભ ખાટવા ખાતર પણ એક જ વાક્યને આઠ ભાષાઓમાં બોલે તો પણ તેમાં કશું જ ખોટું નથી. સમગ્ર દેશમાં વિભિન્ન પ્રદેશોમાં બોલવામાં આવતી જુદી-જુદી ભાષાઓથી ભારતની બહુભાષાકીય અને બહુસાંસ્કૃતિક ઓળખ મજબૂત બને છે. આ બાબત માટે પીએમ મોદી પ્રશંસાપાત્ર છે પરંતુ મોદીનું વિભિન્ન ભાષાઓમાં એક જ વાક્ય બાલવાનું આ કૃત્ય દેશમાં ભાષાના મુદ્દા અંગે તેમની સરકારના અને પક્ષના છળ અને પ્રપંચની યાદ અપાવે છે અને તેની તરફ ધ્યાન દોરે છે. ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતશાહે તાજેતરમાં જ સમગ્ર દેશમાં ભારતીયો પ્રાથમિક ભાષા તરીકે હિન્દી બોલે તેની જોરદાર હિમાયત અને ભલામણ કરી હતી. જોકે, અમિતશાહની ટિપ્પણીનો દક્ષિણ ભારતના રાજ્યો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે પરંતુ આ મુદ્દા અંગે પીએમ મોદી મૌન રહ્યા છે.