(એજન્સી) તા.૨૫
લેખક, સમીક્ષક, પ્રકાશક, ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા, ટીવી એન્કર અને ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વિક્લીના પૂર્વ તંત્રી પરંજોય ગુહા ઠાકુરતા સાથે પત્રકાર ભાષાસિંહે ક્રોનિક કેપિટાલિઝમ અને અદાણી જૂથને ફાયદો થાય અને જાહેર ક્ષેત્રને નુકસાન થાય એ રીતે શિપીંગના નિયમોમાં તાજેતરમાં કરાયેલા ફેરફાર અંગે વાતચીત કરી હતી. અત્રે પરંજોય ગુહા ઠાકુરતાની મુલાકાતના મહત્વના અંશો પ્રસ્તુત છે. જ્યારે પરંજોય ગુહા ઠાકુરતાને પૂછવામાં આવ્યુ કે ૨૦૧૪ બાદ ખાનગી સેક્ટરને લાભ થાય એ રીતે નીતિઓમાં કેવા ફેરફાર કરવામાં આવ્યા હતા ત્યારે તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે હું તમને એક તાજેતરનો દાખલો આપું છું. આ વર્ષેે એક મહિના પહેલા એટલે કે ૨૧ મે,ના રોજ ભારત સરકારના શિપીંગ મંત્રાલયે ભારતીય બંદરો અને આ દેશના સમુદ્રકાંઠાના ભારતીય બંદરો વચ્ચે કન્ટેનર્સના પરિવહનમાં કાર્યરત વિદેશી જહાજોની હેરાફેરી અને અવરજવર પરના નિયંત્રણો હળવા કરતું એક નોટિફીકેશન જારી કર્યુ હતું. આગામી સામાન્ય ચૂંટણીના એક વર્ષ પૂર્વે આ નિર્ણય વાસ્તવમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલ નીતિ ગજગ્રાહ અને લોબીંગનું પરિણામ છે પરંતુ હવે એવું દેખાય છે કે શિપીંગ ઉદ્યોગની તરફેણમાં તેમજ બંદર સેક્ટરની તરફેણમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે જે વાસ્તવમાં જાહેર ક્ષેત્રના બંદરોને નુકસાનકર્તા છે. શિપીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જેવી ભારતીય શિપીંગ કંપનીઓને નુકસાન થશે જ્યારે અદાણી ગ્રુપ જેવી કંપનીઓ કે જે મેડિકેરીયન શિપીંગ કંપની જેવી વિશ્વની સૌથી મોટી શિપીંગ કંપનીઓ સાથે ભાગીદારી ધરાવે છે તેને ફાયદો થશે. એ જ રીતે ભારતના સૌથી મોટા બંદરની વાત કરીએ તો તે મુંબઇ નજીક આવેલ નવા સેવાન વિસ્તારનું જવાહરલાલ પોર્ટ ટ્રસ્ટ છે જેને નીતિમાં આ ફેરફારને કારણે નુકસાન જશે અને મુંદ્રા પોર્ટને ફાયદો થશે. કેવા ફેરફારો અને ક્યા આધારે ફેરફારો કરવામાં આવ્યા છે એવું પૂછતા પરંજોય ગુહા ઠાકુરતાએ જણાવ્યું હતું કે ભારતે કેબોટેજ રુલ્સમાં ફેરફાર કર્યો છે. કેબોટેજ એટલે દેશના ઘરેલુ કાર્યક્ષેત્રમાં જહાજ દ્વારા માલસામાનની હેરાફેરી. અમેરિકા સહિત ૯૦ કરતા વધુ દેશોમાં વિશ્વમાં આવા નિયમો અસ્તિત્વમાં છે. અગાઉના નિયમો અનુસાર એક ભારતીય બંદરથી બીજા ભારતીય બંદર સુધી માલસામાનનું પરિવહન માત્ર ભારતીય માલિકીના જહાજમાં કરવાના નિયંત્રણો હતા. પરંતુ હવે આ નિયંત્રણો પાછા ખેંચી લેવામાંં આવ્યા છે. શું આપનો કહેવાનો અર્થ આ છે ? ત્યારે પરંજોય ગુહા ઠાકુરતાએ જણાવ્યું હતું કે તમારી વાત સંપૂર્ણપણે સાચી છે. અત્યાર સુધી જો કોઇ વિદેશી જહાજ એક ભારતીય બંદરથી બીજા ભારતીય બંદરમાં માલ પરિવહન કરવા માગતું હોય તો તેના માટે ડાયરેક્ટર જનરલ ઓફ શિપીંગની ખાસ મંજૂરી લેવી પડતી હતી પરંતુ હવે આ નિયંત્રણ દૂર કરવામાં આવ્યા છે.
(સૌ. : નેશનલ હેરાલ્ડ ઈન્ડિયા)