(એજન્સી) તા.૧૪
હેદરાબાદના નિઝામના રૂપિયા સાથે જોડાયેલ ૭૦ વર્ષ જૂના મામલે અંતમાં નિર્ણય આવી ગયો છે. લંડનમાં એક બેંકમાં અંદાજે ૭ દાયકાથી કરોડો રૂપિયા ફસાયેલા હતા. હવે બ્રિટેનમાં ભારતીય દૂતાવાસને લાખો પાઉન્ડ પોતાના ભાગ તરીકે મળ્યાં છે. આ સિવાય પાકિસ્તાને પણ ભારતને ૨૬ કરોડ રૂપિયા આપવા પડ્યાં છે. આ રકમ ભારત દ્વારા આ કેસ લડવામાં થયેલા ખર્ચના ૬૫ ટકા છે.
લંડનમાં ભારત સરકારના અધિકારીઓના જણાવ્યાં અનુસાર બ્રિટેનમાં હાઇ કમીશનને ૩૫ મિલિયન પાઉન્ડ (૩૨૫ કરોડ રૂપિયા) પોતાના ભાગ તરીકે મળ્યાં છે. આ રકમ ૨૦ સપ્ટેમ્બર ૧૯૪૮થી નેશનલ વેસ્ટમિંસ્ટર બેંક એકાઉન્ટમાં ફસાયેલા હતા. પાકિસ્તાન આ રૂપિયા પર પોતાનો દાવો રજૂ કર્યો હતો.
ગત વર્ષે ઓક્ટોબરમાં હાઇ કોર્ટે ભારત અને મુકર્રમ જાહ (હેદરાબાદના ૮માં નિઝામ) ના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો હતો. મુકર્રમ અને તેમના નાના ભાઇ મુફફખમ જાહ પાકિસ્તાન વિરુદ્ધ લંડન હાઇ કોર્ટમાં છેલ્લા ૬ વર્ષથી કેસ લડી રહ્યાં છે. બેંકે પહેલા જ આ રૂપિયા કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. અધિકારીના જણાવ્યા અનુસાર પાકિસાતને પણ ભારત સરકારને ૨.૮ મિલિયન (અંદાજે ૨૬ કરોડ રૂપિયા) ચૂકવ્યાં છે. લંડન હાઇકોર્ટમાં આ મામલે ભારત દ્વારા કરવામાં આવેલા ખર્ચનો આ ૬૫ ટકા હિસ્સો છે. બાકી બચેલી રકમ જે ભારતે જાતે ભરી છે તેના પર વાતચીત ચાલી રહી છે. ૮મા નિઝામના વકીલે પુષ્ટી કરતાં જણાવ્યું કે અમારા કલાઇન્ટ (ગ્રાહક) ને પોતાના ભાગના રૂપિયા અને કેસ લડવામાં થયેલા ખર્ચના ૬૫ ટકા મળી ગયા છે.
૭૦ વર્ષ જૂના વિવાદ ૧ મિલિયન પાઉન્ડ અને ૧ ગિન્ની નો છે જે ૨૦ સપ્ટેમ્બર, ૧૯૪૮ ના રોજ હેદરાબાદ સરકારને તત્કાલિન નાણા મંત્રી મૉઇન નવાઝ ઝંગે મોકલ્યાં. ત્યારબાદ આ રૂપિયા હેદરાબાદ રાજ્યના તત્કાલિન નાણા મંત્રી એ બ્રિટેનમાં તત્કાલિન પાકિસ્તાન હાઇકમિશ્નર હબીબ ઇબ્રાહિમ રહીમટૂલાને ટ્રાન્સફર કર્યાં. આ ઘટના હેદરાબાદ રાજ્યને પોતાના કબજામાં લેવાના સમય કરાઇ. ત્યારથી અત્યાર સુધીમાં આ રકમ વધીને ૩૫ મિલિયન પાઉન્ડ થઇ ગઇ.