(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
સીબીએસઈના ધો.૧રની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં શનિવારે આ પરીક્ષામાં સમગ્ર ભારતમાં નોઈડાની આર્ટ્‌સની વિદ્યાર્થિની મેઘના શ્રીવાસ્તવે પ૦૦માંથી ૪૯૯ ગુણાંક (૯૯.૮ %) પ્રાપ્ત કર્યા છે. તેણી જણાવે છે કે કેવી રીતે સખત મહેનત અને એકરૂપતા દ્વારા તેને ધાર્યું પરિણામ મેળવવામાં સફળતા મળી છે. તેણીની સ્ટેપ બાય સ્ટેપ સ્કૂલ, નોઈડાની વિદ્યાર્થિની છે.
મીડિયા કર્મીઓને પોતાના પરિણામ વિશે જણાવતાં મેઘના કહે છે “મારા પરિણામ પાછળ કોઈ જ રહસ્ય નથી, મે આખુ વર્ષ સખત મહેનત કરી છે અને એકાગ્રતાથી અભ્યાસ કર્યો છે. મેં ક્યારેય મારા અભ્યાસ કરવાના કલાકોને ગણ્યા નથી. મારા આ અભ્યાસ દરમ્યાન મારા શિક્ષકો અને મારા માતા-પિતા મને ખૂબ જ મદદરૂપ થયા છે. તેઓએ અભ્યાસ માટે અને ક્યારેય દબાણ કર્યું નથી.” મેઘનાએ ઈતિહાસ, ભૂગોળ, મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્રમાં ૧૦૦ % ગુણ મેળવ્યા છે જ્યારે અંગ્રેજીમાં તેણે ૯૯ ગુણ મેળવ્યા છે. મેઘના બાદ બીજો ક્રમાંક મેળવનાર અનુષ્કા ચાંદે પ૦૦માંથી કુલ ૪૯૯ ગુણ મેળવ્યા છે અને તે ગાઝિયાબાદની એક શાળામાં અભ્યાસ કરે છે.