વાપી, તા.ર૭
શ્રમ અને રોજગાર વિભાગ રોજગાર અને તાલીમ નિયામકની કચેરી સંચાલિત જિલ્લા રોજગાર કચેરી- વલસાડ, નગર રોજગાર કચેરી-ધરમપુર, આઇ.ટી.આઇ. તેમજ વી.આઇ.એ. વાપીના સંયુક્ત ઉપક્રમે વી.આઇ.એ. હોલ વાપી ખાતે રોજગારવાંચ્છુઓ માટે જિલ્લા કક્ષાનો રોજગાર/ એપ્રેન્ટીસ ભરતી મેળો અને પ્રેરણાત્મક રોજગાર શિબિર વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ ભરતીમેળા માટે ૧૩૭૧ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી એપ્રેન્ટીસ તરીકે ૨૪૭ અને રોજગારી માટે ૮૫૮ મળી કુલ ૧૧૦૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઇ હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, વલસાડ કલેક્ટર સી.આર. ખરસાણે ઉદ્‌બોધન કર્યું હતું. જિલ્લા રોજગાર અધિકારી એસ.કે. પટેલે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી રોજગાર ભરતી મેળાનો હેતુ સમજાવ્યો હતો.
આ અવસરે મંત્રી અને મહાનુભાવોના હસ્તે એપ્રેન્ટીસ અને રોજગારીના પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રોજગારી આપવામાં અગ્રેસર રહી પ્રશંસનીય કામગીરી કરવા બદલ વેલસ્પન કંપનીનું પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા.
આ અવસરે વી.આઇએના માનદ મંત્રી સતીષભાઇ પટેલ, ધરમપુર આઇ.ટી.આઇ.ના આચાર્ય એન.આર.પટેલ, નોટીફાઇડ એરીયા અધિકારી, રોજગારવાંચ્છુઓ, અગ્રણી મહેશભાઇ ભટ્ટ, સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીટીસી વાપીના અધ્યાપક શૈલેષ પટેલે કર્યું હતું. આભારવિધિ આઇ.ટી.આઇ. પારડીના આચાર્ય જે.સી. ચૌધરીએ કર્યું હતું.