(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૬
અમેરીકા ખાતે વોલમાર્ટ કંપનીમાં નોકરી અપાવાની લાલચ આપી યુવાન પાસેથી લાખો રૂપિયા પડાવી લેનાર બે ગઠીયાઓ સામે યુવાને ગોત્રી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદને આધારે પાોલીસે આજે એક જણાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર સુભાનપુરા કૃષ્ણવાટીકા સોસાસયટીમાં રહેતા ભાવિકકુમાર રાકેશકુમાર પરમારને અલકાપુરી પ્રોડકટીવીટી રોડ પર આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા અને ઓફીસ ધરાવતા રજત મદનલાલ ગુપ્તા (રહે.એ-૯, સહજાનંદ એપાર્ટમેન્ટ,વડોદરા) તથા તેના સાગરીત ધવલભાઇ દોષી (રહે. મુંબઇ) સાથે સંપર્ક થતાં આ બંને ગઠીયાઓએ ભાવિકકુમારને અમેરીકા ખાતે વોલમાર્ટ કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. જેથી લાલચમાં આવી ગયેલા ભાવિકકુમારે બંને ગઠીયાઓને એડવાન્સ પેટે ૧.૪૫ લાખ ગત તા.૨૦મી ડિસેમ્બરનાં રોજ આપી દીધા હતા. ત્યારબાદ બંને ગઠીયાઓએ ભાવિકને અમેરીકા નહીં મોકલી રૂપિયા પરત નહીં આપતા ભાવિન પરમારે બંન્ને જણા સામે ગોત્રી પોલીસ મથકમાં બે દિવસ અગાઉ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે આજે રજત ગુપ્તાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.