અમદાવાદ, તા.૪
આજના સમયમાં કોઈપણ વહીવટી અધિકારી કૌભાંડ કરે, પ્રજા તેમને તતડાવે પણ જો સત્તા પક્ષના નેતાઓને સાચવી લે તો તેને પોસ્ટીંગ મળતું રહે છે. પરંતુ એક એવા મામલતદારની વાત છે જે પોતાની ઇમાનદારી અને પ્રજાહિતના કાર્યોથી જાણીતા છે. જેના કારણે તેઓ હંમેશાં રાજકારણીઓના આંખમાં કણાની જેમ ખૂંચતા રહે છે. માત્ર સાત વર્ષની નોકરીમાં મામલતદારને ૧૦ બદલીઓ અને કારણ વગર પ્રમોશનથી વંચિત રહ્યા છે. પરંતુ આજે તેમને વ્યવહારના કારણે સદાને માટે સેવાઓમાંથી હંમેશા માટે બરતરફ કરવામાં આવ્યા છે એટલે ઈમાનદારીના ઈનામમાં ચિંતન વૈષ્ણવને નોકરીમાંથી બરતરફ કરાયા છે તેવું કહી શકાય.
સામાન્ય રીતે મહેસૂલ વિભાગના અધિકારીઓ રાજકારણમાં જોડાયેલા નેતાઓને નિરાશ નથી કરતા, પરંતુ ચિંતન વૈષ્ણવ એક એવું નામ છે, જે હંમેશાં ચર્ચામાં રહે છે. તમને જણાવી દઇએ કે, આવા ઇમાનદાર મામલતદાર ચિંતન વૈષ્ણવનું આખરે સરકારે શું કર્યું ? ગુજરાતમાં ફરજ બજાવતા મામલતદાર ચિંતન વૈષ્ણવને નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચિંતન વૈષ્ણવને બરતરફ કરવાના આદેશમાં મામલતદાર ચિંતન વૈષ્ણવ સામે ભ્રષ્ટાચાર અથવા ગેરરિતીનો આરોપ નથી પણ તેમના વ્યવહારને કારણે બરતરફ કરવામાં આવ્યા છે.
મામલતદાર ચિંતન વૈષ્ણવ ૨૦૧૧માં જાહેર સેવા આયોગની પરીક્ષા આપીને મામલતદાર બન્યા હતા. તેમના કામના કારણે તેમની અત્યાર સુધી સંખ્યાબંધ વખત તેમની બદલીઓ કરવામાં આવી છે. તેઓ હંમેશાં પ્રજા સાથે જોડાઇને કામ કરવામાં માને છે, પછી ભલે તેમના કામમાં કોઇ સિનિયર અધિકારીઓ કે સ્થાનિક નેતાઓ વચ્ચે પડે. કોઇનું ગણકાર્યા વગર તેઓ પ્રજાના હિતમાં યોગ્ય નિર્ણય લે છે. જેના કારણે હંમેશાં તેમને નેતાઓ સાથે વાંકુ પડે છે.
ચિંતન વૈષ્ણવની ઇમાનદારીનો ખૌફ એટલો હતો કે તેમની ચેમ્બરમાં અધિકારીઓ પણ ઘૂસતા ડરતા હતા, જેના કારણે એક સામાન્ય મામલતદાર આપણને સાંભળતો નથી તેવી ફરિયાદો રાજ્યના સીએમ ઓફિસમાં કરી હતી. અંતે સીએમ ઓફિસમાંથી ચિંતન વૈષ્ણવને કાયમી રીતે પોતાની સેવામાંથી બરતરફ કરવાનો નિર્ણય કર્યો હતો. તેઓએ જ્યાં-જ્યાં નોકરી કરી ત્યાં સ્થાનિક લેવલેથી પણ ચિંતન વૈષ્ણવ સામે ફરિયાદો કરવામાં આવી હતી.
સરકારમાં બેઠેલા મહેસૂલ વિભાગના સેક્શન અધિકારી આર. કે. જોશીની સહીથી તારીખ ૨ માર્ચ ૨૦૧૯ના રોજ ઓફિસ સમય બાદ તેઓ પોતાની સેવાઓ સમાપ્ત થાય છે તેવો આદેશ આપ્યો હતો. દાહોદ કલેકટરને સૂચના આપવામાં આવી કે ચિંતન વૈષ્ણવની સેવાઓ ચાલું રાખવી યોગ્ય નથી, તેવું સરકારે નક્કી કર્યું છે. જેની જાણકારી અમે તમને આપીએ છીએ.