(એજન્સી) સીઓલ, તા.૧
ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે તણાવની સ્થિતિ ખૂબ જ ઉગ્ર બની છે. ઉત્તર કોરિયા દ્વારા પરમાણુ પરીક્ષણોના સિલસિલાથી અમેરિકા ખફા છે. બીજી તરફ ઉત્તર કોરિયાએ ડોનાલ્ડ ટ્રમ્પને માનસિક રીતે પાગલ બતાવ્યા છે.
એજન્સીની ખબર મુજબ ટ્રમ્પ આગામી સપ્તાહે એશિયા ખંડની મુલાકાતે જઈ રહ્યા છે. તે સમયે ઉત્તર કોરિયાએ કહ્યું કે, ટ્રમ્પને શારીરિક વિકારના ઉપચાર માટે દવાઓની સખત જરૂર છે. હાલમાં ટ્રમ્પ અને ઉ.કોરિયાના તાનાશાહ કીમ જોંગ એકબીજાને યુદ્ધની ધમકીઓ આપી છે. એકબીજાનું અપમાન કર્યું છે. તેથી કોરિયા પ્રાયદ્વીપમાં વિવાદ વધુ ગરમાવવાની શક્યતા છે. હાલમાં ટ્રમ્પે યુદ્ધની ચેતવણી સાથે તોફાન પહેલાંની શાંતિ જણાવી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં જણાવ્યું હતું કે, જો અમેરિકાને પોતાને અથવા સહયોગીઓને બચાવવાની જરૂર પડશે તો તે ઉત્તર કોરિયાને તબાહ કરી શકે છે. તેમણે તાનાશાહ કીમને રોકેટમેન કહ્યો હતો. ઉત્તર કોરિયાએ નિવેદનમાં કહ્યું છે કે, તેની ધમકીઓને હલકામાં ન લેવી જોઈએ. અંગ્રેજી અખબાર સીએનએન અનુસાર આ મુજબ જણાવાયું હતું. ન્યુયોર્કમાં ઉત્તર કોરિયાના એક અધિકારીએ કહ્યું હતું કે, અમે જલદીથી હાઈડ્રોજન બોમ્બનો ટેસ્ટ કરીશું.