નવી દિલ્હી તા. ૮

નોટબંધીને એક મહિનો પૂરો થવા આવ્યો છે તેમ છતાં પણ બેન્કો અને એટીએમમાં લાઈન ઘટવાનું નામ લેતી નથી. વડાપ્રધાન મોદીએ કેશલેસ સોસાયટીને તરફેણ કરીને કાળા નાણાના દૂષણને ડામવા માટે નોટબંધી જેવો મોટો નિર્ણય લીધો હતો તે વાતને આજે એક મહિનો પુરો થયો. આવો જાણીએ કેટલીક ખાસ મહત્વની વાતો

૧.           શરૂઆતની જાહેરાત અનુસાર બેન્કોમાંથી પૈસા ઉપાડવાની મર્યાદા ફક્ત રૂ.૧૦,૦૦૦ તથા અઠવાડિયે ૨૦,૦૦૦ સુધીની કરવામાં આવી છે. તેમજ એટીએમમાંથી પ્રતિદિનના ધોરણે ૨૫૦૦ ઉપાડની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

૨.           આજની તારીખ સુધીમાં સરકારે સંખ્યાબંધ વાર નિયમોમાં બદલાવ કર્યો છે. પહેલા સરકારે જુની નોટો દ્વારા બીયારણ ખરીદવાની મંજૂરી આપી હતી ત્યાર બાદ ખેડૂતોને પ્રતિદિનના ધોરણે ૨૫,૦૦૦ ઉપાડની મંજૂરી આપવામાં આવી હતી.

૩.           નોટબંધીને કારણે અત્યાર સુધીમાં લગભગ ૧૦૦ લોકોનો ભોગ લીધો છે. વિપક્ષોએ આજે સંસદમાં સરકાર પર એવો આક્ષેપ કર્યો કે નોટબંધીને કારણે મોતને ભેટેલા લગભગ ૧૦૦ લોકોના મોત પર સરકાર કોઈ શોક વ્યક્ત કર્યો નથી.

૪.           ૧૭ નવેમ્બરે સરકારે લગ્ન ખર્ચ માટે લોકોને ૨.૫ લાખ ઉપાડની મંજૂરી આપી હતી જોકે બેન્કોએ રોકડની કટોકટી તંગી દર્શાવીને આ રકમ આપવામાંથી હાથ અધ્ધર કરી દીધા હતા.

૫.           આ દરમિયાન વડાપ્રધાન મોદીએ મન કી બાતના રેડિયો કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરવાનું ચાલુ રાખ્યું હતું.

૬.           બેન્કો અને એટીએમની લાઈનમાં મોતને ભેટેલા લોકોના મોત પર સરકારે શોક વ્યક્ત કરવો જોઈએ તેવી વિપક્ષે માંગણી કરી હતી અને ઉગ્ર હોબાળો મચાવ્યો હતો જેને પરિણામે ગૃહની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદે જ્યારે ગૃહમાં બોલવા ઉભા થયા ત્યારરે ભાજપના સાંસદોએ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.