– દિનેશ શુકલ

‘જર્નાલિઝમ ઓફ કરેજ’ના ધ્યેયમંત્રને વરેલા ‘ઈન્ડિયન એક્સપ્રેસે’ માહિતીના અધિકાર હેઠળ જે માહિતી મળી છે, તે ચોંકાવનારી છે. અત્યારસુધી સરકાર (મોદી) એમ કહેતી હતી કે રૂા.પ૦૦ અને રૂા.૧૦૦૦ની નોટો પાછી ખેંચી લેવાનો નિર્ણય ‘રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા’નો હતો. જ્યારે સંસદીય પેનલમાં તેણે લેખિતમાં જણાવ્યું હતું કે સરકારે એમ કરવાની અમને સલાહ આપી હતી. ખરેખર તો સરકારે રિઝર્વ બેન્કને આદેશ આપવાનો હોય, એને બદલે રિઝર્વ બેન્કની સલાહ અનુસાર આ નોટોને લીગલ ટેન્ડર તરીકે રદ કરવાનો સરકારે નિર્ણય લેવાનો હોય. ખરેખર તો ૮ નવેમ્બરની મધરાતથી આ બંને નોટો લીગલ ટેન્ડર નહીં ગણાય એ નિર્ણય કોણે લીધો એ જાણવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર નથી. ખરેખર તો આ નિર્ણય જ્યારે લેવામાં આવ્યો ત્યારે અખબારી હેવાલો અનુસાર મોદી, ઉર્જિત પટેલ અને અરુણ જેટલીએ લીધો હતો. કેટલાક અખબારોએ તો ત્યાં સુધી જણાવ્યું કે નિર્ણય ખુદ મોદીએ લીધો અને ત્યારબાદ જેટલી અને ઉર્જિત પટેલને જણાવ્યું.

રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર વાય.વી. રેડ્ડીએ જણાવ્યું છે કે દેશની સેન્ટ્રલ બેન્કની ભૂમિકા સામે મોટો ખતરો ઊભો થયો છે. તેનું એક રાષ્ટ્રીય સમસ્યા તરીકે મૂલ્યાંકન કરવું જોઈએ.આર.બી.આઈ.ની સંસ્થાકીય ઓળખને ભારે નુકસાન થયું છે. તેની પ્રતિષ્ઠાને જે નુકસાન થયું છે, તે કઈ રીતે ભરપાઈ કરવું, એ મુખ્ય સમસ્યા છે.

રિઝર્વ બેન્કના એક બીજા ભૂતપૂર્વ ગવર્નર બિમલ જાલને જણાવ્યું કે આર.બી.આઈ.ની. સ્વાયત્તતા અત્યંત જરૂરી છે અને કોઈપણ ભોગે તેનું રક્ષણ કરવું જોઈએ. તેમણે પણ એકાએક જાહેર કરવામાંં આવેલ ‘નોટબંધી’ને કારણે જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)માં ઘટાડો થવાની સંભાવના છે.

કોંગ્રેસના વાઈસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની કડક ટીકા કરતા જણાવ્યું કે વડાપ્રધાને ભારતના અર્થતંત્રને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. મોદીએ તેમની જાતને પૂછવું જોઈએ કે જો ડિમોનિટાઈઝેશન સફળ થયું હોય તો કામકાજની શોધમાં શહેરોમાં આવેલા લોકો પોતાના ગામોમાં શા માટે પાછા જઈ રહ્યા છે. અગાઉ ક્યારે પણ ભારતના અન્ય કોઈ વડાપ્રધાન સમગ્ર દુનિયામાં આટલા બધા મજાકનો વિષય બન્યા નથી. તેમણે તો ત્યાં સુધી જણાવ્યું કે ભાજપ અને આર.એસ.એસ. સામાન્ય લોકોમાં ભયનું વાતાવરણ ફેલાવી રહ્યા છે.

કોઈપણ લબ્ધ પ્રતિષ્ઠ અર્થશાસ્ત્રીએ મોદીના આ નિર્ણયની પ્રશંસા કરી નથી. આવું ઉતાવળિયું અને વગર વિચાર્યે પગલું વિશ્વમાં કોઈ રાજનેતાએ લીધું નથી !

વડાપ્રધાને પોતાની જાતને કેટલાક પ્રશ્નો પૂછવા જોઈએ. ઓટો મોબાઈલોના વેચાણમાં ૬૦ ટકા જેટલો ઘટાડો કેમ થયો છે ? ‘નરેગા’ની તેમણે ભારે ટીકા કરેલી એટલું જ નહીં, તેની મજાક ઉડાવેલી, તો પછી અત્યારે ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરોમાં આવેલા શ્રમિકો શા માટે ગ્રામીણ વિસ્તારોમાં પાછા જઈ રહ્યા છે ? વડાપ્રધાન મોદીએ બધા બેરોજગારોને રોજગાર પૂરા પાડવાના વચનો આપેલાં, તેનું શું થયું ? અગાઉ જેટલી બેરોજગારી હતી, તેના કરતાં આજે અનેક ગણી વધારે બેરોજગારી છે !

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને તેના ગવર્નર હાંસીપાત્ર બન્યા છે. ૭મી નવેમ્બરે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને પત્ર લખ્યો, તેમાં જણાવ્યું કે ડિમોનિટાઈઝેશનનો નિર્ણય લેવા તૈયાર છો ? અને બીજા જ દિવસે (૮ નવેમ્બર) તેની જાહેરાત કરવામાં આવી. આજે મોદીના વડાપ્રધાન બન્યા પછી કોઈપણ બંધારણીય સંસ્થાનું માન રહ્યું નથી !

મોદીને મજાક કરતાં તેમણે જણાવ્યું કે ઈન્ડિયા ગેટ પાસે તેમણે યોગ કર્યો, પણ તેઓ પદ્માસન કરી શક્યા નહીં. હું યોગનો નિષ્ણાત નથી, પણ જે પોતે રોજ સવારમાં યોગ કરે છે, તેમને પદ્માસન કરતા તો આવડવું જોઈએ ને ? ડિમોનિટાઈઝેશન તો એક બહાનું છે, તેઓ જાણે છે કે યોગને બહાને તેઓ ‘મેઈક ઈન ઈન્ડિયા’, સ્કીલ ઈન્ડિયા વગેરે તરફનું લોકોનું ધ્યાન અન્યત્ર વાળવા માંગે છે.

બધાને ભયભીત કરવા, એ તો મોદીનો મુખ્ય એજન્ડા છે. ‘આતંકવાદ’, માઓવાદ, વગેરેનો ભય બતાવવામાં મોદી ઉસ્તાદ છે.

ભાજપ અને તેના નેતાઓ હંમેશાં ‘નવું ભારત બનાવીશું, એવા બણગાં ફૂંકે છે. કોઈ એક વ્યક્તિ કે પક્ષ નવા ભારતનું નિર્માણ કરી શકે નહીં ! આપણે દેશ કંઈ મૂર્ખ નથી. મોદીનો દાવો છે કે તેઓ બધું જ જાણે છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે જણાવ્યું છે કે છેલ્લા બે મહિના દરમિયાન પરિસ્થિતિ ઉત્તરોત્તર બગડતી ગઈ છે. પણ હજુ વધારે ખરાબ સ્થિતિ ઊભી થવાની છે. તેમણે તો ડિમોનિટાઈઝેશનને ‘ડિઝાસ્ટર’ તે કહ્યું, જ્યારે ભૂતપૂર્વ નાણાંમંત્રી ચિદમ્બરમે તો ‘કેલેમિટી’ કહીને તેની આકરી ટીકા કરી છે.

મોદી હંમેશા કહેતા ફરે છે કે તેઓ ભારતના અર્થતંત્રમાં હું ધરખમ ફેરફાર કરવા માંગું છું. પણ આપણે સૌ જાણીએ છીએ કે મોદી શાસનના અંતનો આરંભ થઈ ચૂક્યો છે. મોદી જે પ્રચાર કરે છે, ભારતની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે. અર્થશાસ્ત્રનો સામાન્ય અભ્યાસી પણ જાણે છે કે મોદી સત્તા પર આવ્યા પછી તેમાં વધારો નહીં પણ ઘટાડો થયો છે. મોદીના દાવાઓ સાવ પોકળ છે ! તેમણે જણાવ્યું કે લગભગ બધી રેટિંગ એજન્સીઓ જીડીપીમાં વૃદ્ધિ નહીં પણ ઘટાડો થશે, એવું જણાવે છે. કૃષિ ક્ષેત્રમાં રોજગારીમાં ઘટાડો થશે, ઉપરાંત ઉદ્યોગો, સેવાક્ષેત્રમાં પણ રોજગારીમાં ઘટાડો થશે. ખાસ જે અનૌપચારિક (ઈન્ફોર્મલ) ક્ષેત્ર છે, તો તેમાં તો રોજગારીમાં મોટા પ્રમાણમાં ઘટાડો થશે.

ચિદમ્બરમે જણાવ્યું છે કે એક વ્યક્તિની કદાપિ ભૂલી ન શકાય, તેવી મુર્ખામીની કિંમત સમગ્ર દેશને ચૂકવવી પડે છે, ખાસ તો આર્થિક રીતે નબળા, અસંગઠિત ક્ષેત્રના શ્રમજીવીઓ છે, તેમને ચૂકવવી પડે છે.

તૃણમૂલ કોંગ્રેસના અગ્રણી નેતા ડેરેક ઓ.બીએને જણાવ્યું છે કે આ તો નાણાકીય કટોકટી છે. આજે મને લાગે છે કે આ તો ‘સુપર ઈમરજન્સી’ છે.

આગામી વિધાનસભાઓની ચૂંટણીઓમાં આ ‘નોટબંધી’ની કેટલી અસર પડે છે, તેની તો ફેબ્રુઆરીમાં ખબર પડશે !