અમદાવાદ, તા.૮
એક તરફ કેન્દ્ર સરકાર ૮મી નવેમ્બરે નોટબંધીના એક વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે સુરતના ઉદ્યોગકારો સાથે વાતચીત કરતા રાહુલ ગાંધીએ નોટબંધી અને જીએસટીની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે નોટબંધી એ સરકારનો ખોટો નિર્ણય હતો તે ભારતના બધા કાળા ચોરોના ધનને સફેદ કરવાની સ્ટ્રેટેજી હતી જ્યારે જીએસટીની ટીકા કરતાં તેમણે કહ્યું કે જીએસટીને ખુદ મોદી સરકાર જ સમજી શકી નથી. તેમ જણાવી જીએસટીથી દેશને મોટો ઝટકો લાગ્યો હોવાનું જણાવ્યું હતું તેમજ જીએસટીના કારણે દેશના ધંધા-રોજગાર પડી ભાંગ્યાનું જણાવી કોંગ્રેસની સરકાર આવશે તો જીએસટીનો ફરીથી અભ્યાસ કરી યોગ્ય રીતે લાગુ કરવાની વાત કરી હતી. વેપારીઓની વાત સાંભળતા રાહુલ ગાંધીએ જીએસટી અને નોટબંધી બંનેને સરકારના મનસ્વી નિર્ણય ગણાવી આકરા પ્રહારો કર્યા હતા. ઉપસ્થિત વેપારીગણે પણ પોતે ભાજપાની સરકારને ખોટી રીતે પસંદ કરી લીધી હોવાનો સૂર વહેતો કર્યો હતો.
‘નોટબંધી બ્લેક ડે મનાવવા સુરત પહોંચેલા રાહુલ ગાંધીએ પાલના સંજીવકુમાર ઓડીટોરિયમાં ડાયમંડ, ટેક્સટાઈલ ઉદ્યોગ સહિતના વેપારીઓને નોટબંધી અને જીએસટીના મામલે સાંભળ્યા હતા. વેપારીઓએ મોદી સરકારમાં તેમનું કોઈ સાંભળતું નથી, વાયદાવાળી સરકારથી અમે કંટાળી અને થાકી ગયા છીએ જો આમ જ ચાલશે તો અમારી ઈન્ડસ્ટ્રીઝ બંધ થઈ જશે. ‘મન કી બાત’ સાંભળીને અમે કંટાળી ગયા છીએ હવે મોદી સરકાર અમારું ક્યારે સાંભળશે તેમ જણાવી મોદી સરકારમાં માત્ર કેટલાક ખાસ લોકોનું જ સાંભળવામાં આવે છે એ તરફ ઈશારો કર્યો હતો. જ્યારે એક વેપારીએ તો પોતે ભાજપ સરકારને ખોટી રીતે પસંદ કરી હોવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ વેપારીઓએ કોંગ્રેસ જો આંતરિક ઝઘડા બંધ કરશે તો જીતશે તેમ પણ જણાવ્યું હતું. વેપારીઓ સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ મોદી સરકારને આડે હાથ લીધી તો કેટલીક નિખાલસ કબૂલાત પણ કરી હતી. રાહુલે જણાવ્યું હતું કે સુરત ચીન સાથે હરીફાઈ કરી શકે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જો ચાઈના સામેનો પડકાર નહીં ઝીલવામાં આવે તો આવનારા દિવસોમાં ભારતના યુવાઓનું ભાવિ રોળાઈ જશે. તેમણે નાના અને લઘુ ઉદ્યોગકારોને સંબોધીને આશ્વાસન આપ્યું હું મારાથી બનતી તમામ મદદ સુરત અને ગુજરાતને કરીશ. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન તાકતા કહ્યું કે પીએમ અને સ્મૃતિ ઈરાની મોટા ઉદ્યોગકારોના ફોન ઉઠાવે છે પણ નાના ઉદ્યોગકારો સામે જોતા પણ નથી. હું તમારી વાત સાંભળીશ કેમ કે હું મોદી જેવું ભાષણ આપતો નથી. ભાજપની ડીઝાઈન લાઉડસ્પીકરની જેમ છે જ્યારે કોંગ્રેસની ડીઝાઈન સાંભળવાની છે. ભૂતકાળમાં કોંગ્રસે નાના વેપારીઓ અને ઉદ્યોગકારોને યોગ્ય મદદ ન કરી હોવાની રાહુલે નિખાલસ કબૂલાત કરી હતી.
જીએસટી અને રાહુલ ગાંધીએ મોદી સરકારને ભીંસમાં લેતા આ સરકાર તો મનસ્વી નિર્ણય લેનારી છે તેમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મોદીજી એવું માને છે કે રાત્રે બાર વાગે પાર્લામેન્ટમાં પાસ થઈ ગઈ એટલે જીએસટી લાગૂ. પણ આ ખોટું છે. સરકાર જે લાવી તે જીએસટી નથી. જીએસટી અંગે નરેન્દ્ર મોદી ભાષણમાં કહે છે કે કોંગ્રેસ જીએસટીનો વિરોધ કરી રહી છે પણ અમે તે યોગ્ય સ્વરૂપમાં લાગુ થાય તેવું ઈચ્છતા હતા. અમે ૧૮ ટકાથી વધુ જીએસટી ન લગાવવા કહ્યું હતું. અમે તબક્કાવાર જીએસટી લાગુ કરવાની વાત કરતા હતા. જીએસટીમાં એક ટેક્સ હોવા જોઈએ પાંચ ટેક્સ નહીં તેમ જણાવી તેમણે જીએસટીને ખુદ મોદી સરકાર જ સમજી નથી શકી તેવો આકરો પ્રહાર કર્યો હતો.
સાથે જ કોંગ્રેસની સરકાર આવશે તો જીએસટીનો યોગ્ય અભ્યાસ કરી યોગ્ય રીતે લાગુ કરવાની વાત કરી હતી. સાથે જ તેમણે પેટ્રોલ અને ડીઝલને પણ જીએસટીના દાયરામાં લાવવાની વાત કહી હતી. નોટબંધીને મોદી સરકારની મોટી ભૂલ ગણાવતા રાહુલે પ્રધાનમંત્રી મોદી પોતાની ભૂલ સ્વીકારતા નથી તેનું દુઃખ વ્યક્ત કર્યું હતું. સાથે જ કેશલેસની વાતને ઉડાડતા તેમણે કહ્યું જે લોકો કેશમાં કામ કરે છે તે બધા ચોર નથી. આ વાત પણ મોદી સમજતા નથી તેમ તેમણે જણાવ્યું હતું. ભાજપના લોકો અન્યની વાત સાંભળતા નથી. કોંગ્રેસની સરકાર બનશે તો બધાને સાંભળશે તેવી વાત મૂકી હતી.