(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧૪
નોટબંધીનો મુખ્ય ઉદ્દેશ દેશમાંથી કાળાનાણાંને ખતમ કરવાનો હતો. પરંતુ આ ઉદ્દેશ નિષ્ફળ ગયો અને હવે ડિજિટલ ઈકોનોમી અને કેશલેસની વાતો થઈ રહી છે. જ્યારે જીએસટીની સિસ્ટમ સારી છે. પરંતુ તેને જે રીતે આકાર આપવામાં આવ્યો તેના લીધે સમસ્યાઓનું સમાધાન થવાને બદલે સમસ્યાઓ વધી છે. એટલે દેશમાં નોટબંધી અને જીએસટીથી બે વાર આર્થિક શોક લાગ્યો છે અને અમદાવાદની મુલાકાતે આવેલા પીઢ નેતા યશવંતસિંહાએ જણાવ્યું હતું. કોઈપણ સરકાર આવે તે તેને જૂની સરકાર પાસેથી વારસાગત સમસ્યાઓ મળે છે. જેમાં મોદી સરકારને બે મોટી સમસ્યા મળી હતી. તેમાં બેન્કોમાં નોન પર્ફોમિંગ એસેટ (એનપીએ) વધી રહી છે તે અને બીજું અટવાયેલા પ્રોજેક્ટો જોકે સરકારે આ બંને મુદ્દા ઉપર કામ કરવા જોઈતા હતા. પરંતુ બેન્કમાં એનપીએ વધતી જઈ રહી છે. અત્યારે બેન્કોની એનપીએ ૮ લાખ કરોડનું છે. જ્યારે અટવાયેલ પ્રોજેક્ટોમાં થોડું કામ થયું છે. પરંત હજુય ૧૮ લાખ કરોડનું કામ બાકી છે. ત્યારે બેન્કોએ લોન આપવાનું બંધ કર્યું તેના લીધે જૂના પ્રોજેક્ટો વધતા ગયા. નોટબંધી અને જીએસટીના લીધે દેશનો આર્થિક વિકાસ દર (જીડીપી) ઘટવા લાગ્યો. તેના લીધે બેરોજગારી વધી અને જો વિકાસ દર ઝડપથી વધશે નહીં તો બેરોજગારી વધતી રહેશે. નોટબંધી બાદ ર૦ લાખ લોકો બેરોજગાર થયા. તે ખતરાની ઘંટી છે. બેરોજગારીથી સામાજિક સમસ્યાઓ વધશે. અરાજકતા અને ગુનાખોરી પણ વધશે. જીએસટીએ સારી ટેક્ષની સિસ્ટમ છે. પરંતુ તેને યોગ્ય રીતે લાગુ કરી ન શકતા જીએસટીનું નામ ખરાબ થઈ ગયું. જીએસટીને મૂળભૂતથી બદલવાની જરૂર છે. વારે ઘડીયે તેમા સુધારા કરવાથી તેનું સમાધાન થવાનું નથી. જીએસટી લાગુ કર્યા પહેલાં વિચારવાની જરૂર હતી. તેના બદલે બારોબાર નિર્ણય લેવાયો તેના લીધે સમસ્યાઓ ઊભી થઈ. જો કે જીએસટી મુદ્દે સૌપ્રથમ વિચાર વર્ષ ર૦૦૩માં વિજય કેલકરને આવ્યો હતો. ત્યારે મારો સૂઝાવ છે કે વિજય કેલકરની અધ્યક્ષતામાં એક કમિટી રચવામાં આવે. જે જીએસટી કાઉન્સિલ સાથે સમયસર ચર્ચા કરીને જીએસટી કેવી રીતે સરળ બનાવી શકાય તે અંગે સુઝાવ આપે. જો કે યુપીએ સરકાર વખતે ગુજરાતના પ્રતિનિધિ તરીકે સૌરભ પટેલે જીએસટીથી ગુજરાતને રૂા.૯ હજાર કરોડનું નુકસાન થશે તેવું કહીને વિરોધ કર્યો હતો. જો કે તેમણે મોદી સરકાર ઉપર નામ લીધા વિના પ્રહાર કરતા કહ્યું હતું કે તમે વર્ષ ર૦૧૪માં જે વાયદાઓ કરીને સત્તા ઉપર આવ્યા હતા. તે વાયદાઓ પૂરા કરો. નહીં તો વર્ષ ર૦૧૯ની ચૂંટણીમાં તમે પ્રજા પાસે ત્યારે જ જઈ શકશો જ્યારે વાયદાઓ પૂરા કરશો. વધુમાં યશવંત સિંહાએ જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલને પણ જીએસટીમાં લાવવું જોઈએ. તેને જીએસટીમાં લાવવાથી પ્રજાને ફાયદો થશે. ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર કરશો કે કેમ ? તેવા પ્રશ્નના જવાબમાં યશવંત સિંહાએ જણાવ્યું હતું કે પ્રચાર કરવા માટે ભાજપે મને બોલાવ્યો નથી અને કદાચ બોલાવશે પણ નહીં. સમગ્ર પત્રકાર પરિષદ દરમિયાન પૂર્વ નાણામંત્રી અને ભાજપના પીઢ નેતા યશવંતસિંહાએ નોટબંધી જીએસટીને લીધે દેશની અર્થવ્યવસ્થા બગડી હોવાના આક્ષેપ કરી નાણામંત્રી અરૂણ જેટલી ઉપર પ્રહાર કરી તેમના રાજીનામાની માંગ કરી હતી. જો કે લોકશાહી બચાવો ઝુંબેશ લઈને નીકળેલા અમદાવાદની એનજીઓના આમંત્રણને માન આપીને આવેલા યશવંતસિંહા સાથે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, ગૌતમ ઠાકર, મહેશ પંડ્યા, હેમંતકુમાર શાહ હાજર રહ્યા હતા.

નાણાંમંત્રી અરૂણ જેટલી
ગુજરાત પર બોજારૂપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના છે, હાલના નાણાંમંત્રી અરૂણ જેટલી ગુજરાતમાંથી ચૂંટાયા છે અને આરબીઆઇના ગવર્નર પણ ગુજરાતના છે તો ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ કેમ એ મતલબના પ્રશ્નના પ્રત્યુત્તર દરમ્યાન પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી યશવંતસિંહાએ ફરી એકવાર જાહેરમાં વર્તમાન કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલી પર આકરા પ્રહાર કર્યા હતા અને તેમની પર માર્મિક કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, જેટલી ગુજરાતમાંથી ચૂંટાયા છે પરંતુ ગુજરાતી નથી. તેઓ ગુજરાતમાંથી ચૂંટાયા પરંતુ તમારી પર(ગુજરાત ઉપર) બોજ છે, જો એ ના ચૂંટાયા હોત તો કોઇ ગુજરાતીને નાણાંમંત્રી તરીકે મોકો મળી શકયો હોત. આ એ કક્ષાના નાણાંમંત્રી છે કે, જે ચિત ભી મેરી, પટ ભી મેરી ની નીતિમાં માને છે. જીએસટીને લઇ ખોટી ક્રેડિટ લઇ રહ્યા છે.

લોકશાહી બચાવવા જનતાને
જાગૃત કરવી અમારી નૈતિક ફરજ

પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ જણાવ્યું હતું કે, જે પ્રકારે નોટબંધી અને જીએસટી સહિતના વિવાદીત નિર્ણયો બાદ ગુજરાત સહિત દેશભરમાં જે પ્રકારે અરાજકતા અને આર્થિક ડામાડોળની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે લોકશાહીને બચાવવા અને જનતાને જાગૃત કરવા માટે અમારી નૈતિક ફરજ છે અને તેથી શું તમે આ જાણો છો? અને હવે ચૂપ રહેવાય તેમ નથી એમ બે સૂત્રો હેઠળ લોકશાહી બચાવો અભિયાનની શરૂઆત કરાઇ છે, જેમાં પ્રો. હેમંત શાહ, ગૌતમ ઠાકર અને મહેશ પંડયા સહિતના આગેવાનો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. હવે જનતાએ ચૂંટણી આવી ગઇ છે, ત્યારે સાચી પરિસ્થિતિથી વાકેફ થઇ જાગૃત થવાની જરૂર છે.

એક સમયે મોદી અને સૌરભ પટેલે
જ GST નો વિરોધ કર્યો હતો

પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી યશવંતસિંહાએ એ પણ જાહેર કર્યું હતું કે, એક સમયે અગાઉ ખુદ નરેન્દ્ર મોદી અને ગુજરાતના તત્કાલીન નાણાંપ્રધાન સૌરભ પટેલે જ જીએસટીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. હવે આ જ લોકો જીએસટીની હિમાયત કરી વાહવાહ કરી રહ્યા છે.