(એજન્સી) સીમલા, તા.૧
ડાબેરી નેતા સીતારામ યેચૂરીએ ભાજપ દ્વારા ૮ નવેમ્બરે નોટબંધીની ઉજવણીની કરેલી જાહેરાત અંગે કહ્યું છે. નોટબંધી એ ઈતિહાસનો સૌથી મોટો નાણાંકીય ગોટાળો હતો. સીમલામાં ચૂંટણી સભાને સંબોધતા સીપીઆઈ(એમ)ના નેતા સીતારામ યેચૂરીએ કહ્યું છે કે ભાજપ દ્વારા ૮ નવેમ્બરને કાળાં નાણાં વિરોધી દિવસ તરીકે મનાવાય છે પરંતુ નોટબંધી એ ઈતિહાસમાં સૌથી મોટું કૌભાંડ છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી નોટબંધીને કાળાં નાણાં પર સર્જિકલ સ્ટ્રાઈક બતાવે છે પરંતુ હકીકતમાં તે મોટું કાંડ છે. જે ગુજરાતના ધનિક ઉદ્યોગપતિઓ દ્વારા રચાયું હતું. જેનાથી સમગ્ર કાળું નાણું સફેદ થઈ ગયું. જ્યારે દેશના અન્ય લોકો ગરીબાઈમાં ધકેલાઈ ગયા. યેચૂરીએ કહ્યું કે વ્યાપમ અને કાંડ અને પનામા પેપર્સ લીક જેવા ભાજપના પ્રમુખના પુત્ર સામે આરોપો છે ત્યારે ભાજપ શાસિત રાજ્યોમાં ભ્રષ્ટાચારની વાત કરવી જોઈએ. તેમણે કહ્યું કે હિમાચલના લોકો ૯ નવેમ્બરના દિવસે ભાજપના ભ્રષ્ટાચાર સામે મતદાન કરી કોંગ્રેસને સત્તા પરથી ફેંકી દેશે. પોલિટ બ્યુરોના સભ્ય સુભાશીની અલીએ પણ રાજ્યમાં વિવિધ ચૂંટણી સભાઓને સંબોધી હતી.