(એજન્સી) પશ્ચિમ બંગાળ, તા.૬
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગુરૂવારે એક ઉગ્ર ચર્ચામાં ભાગ લીધો હતો. જેને અંતર્ગત ગત વર્ષે નવેમ્બર મહિનામાં વડાપ્રધાન મોદી દ્વારા નોટબંધીની જાહેરાત કર્યા બાદથી જૂની રૂપિયા પ૦૦ અને ૧૦૦૦ની નોટોનું ચલણ બંધ કરવાના આદેશને કારણે આવેલી પડતી અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેનરજીએ કથિતરૂપે નોટબંધીને ‘‘સૌથી મોટી આપત્તિ’’ તો જીએસટીના અમલને ‘‘મોટો સ્ટન્ટ’’ ગણાવ્યો. બેનરજીએ ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે, જેવું મેં પહેલાં કહ્યું હતું કે, નોટબંધી એ સૌથી મોટી આપત્તિ છે, જેણે દેશની અર્થવ્યવસ્થાને સંપૂર્ણરીતે બરબાદ કરી દીધી છે. આ ઉપરાંત જીએસટીનો અમલ એ સૌથી મોટો સ્ટન્ટ છે. કોઈપણ પ્રકારની પૂર્વ યોજના વગર સરકાર શા માટે ઉતાવળિયા પગલાં લઈ રહી છે ? સરકારના આ પગલાંને લીધે સામાન્ય નાગરિકો અને વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલાં બેનરજીએ જીએસટી લાગુ કરવાની બાબતને કેન્દ્ર સરકારની નોટબંધી પછીની અન્ય એક ‘‘ઐતિહાસિક ભૂલ’’નો કરાર આપ્યો હતો. તેમણે જીએસટીને ઉતાવળિયે લાગુ કરવાનો દાવો કરતાં માગણી કરી કે નવી કર વ્યવસ્થાના કિસ્સામાં તપાસ થવી જોઈએ. આ કેસમાં ઊંડી તપાસની જરૂરિયાત છે. મમતા બેનરજીની આ ટિપ્પણી ત્યારે સામે આવી હતી કે જ્યારે મોદીએ તેમની સરકારને જીએસટી પરની તમામ ફરિયાદોની સમીક્ષા કરવાનું કહ્યું હતું અને જો જરૂર પડે તો જરૂરી સુધારાઓ કરવાનું પણ કહ્યું હતું. આ દરમિયાન શુક્રવારે દિલ્હીમાં જીએસટી સમિતિએ બેઠક યોજી વ્યવસાયોની કેટલીક ફરિયાદોની સમીક્ષા કરી તેમાં કરવામાં આવેલા સુધારાઓને ‘‘માળખાકીય સુધારાઓનું’’ નામ આપ્યું છે.