ચેન્નાઇ, તા. ૮
ડીએમકેના કાર્યકારી પ્રમુખ એમકે સ્ટાલિને આઠમી નવેમ્બરના નોટબંધીના દિવસનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી દ્વારા કરાયેલી નોટબંધીની વરસી કાળા દિવસ તરીકે મનાવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના વડા એમ કરૂણાનિધિ વચ્ચે થયેલી બેઠક છતાં ડીએમકેએ તમિલનાડુમાં છ પૂરગ્રસ્ત જિલ્લાઓ સિવાય સમગ્ર રાજ્યમાં નોટબંધીનો વિરોધ આદર્યો છે. નોટબંધી બાદ થયેલા મોતો માટે સ્ટાલિને પીએમ મોદીને જવાબદાર ઠેરવ્યા હતા અને જણાવ્યું હતું કે, તેમણે કોઇપણ તૈયારી વિના નોટબંધીનો નિર્ણય લઇ લીધો હતો. આ એક કાળો દિવસ છે જે લોકોના જીવનમાં માઉન્ટ એવરેસ્ટ જેવા દુઃખ સિવાય કાંઇ લાવ્યો નથી. કાળા નાણા પરત લાવવાને બદલે મોદીએ લોકોના પરિવારોમાં શોક લાવી દીધો છે. સ્ટાલિને વધુમાં જણાવ્યું કે, નોટબંધીની જાહેરાતથી જ ભારતે ૧૯૪૭ની ૧૪મી અને ૧૫મીની રાતે મળેલી આઝાદી ગુમાવી દીધી હતી. તેમણે કહ્યું કે, ભાજપના જ નેતાઓ યશવંત સિંહા અને સુબ્રમણ્યમ સ્વામીએ નોટબંધીની ટીકા કરી છે. મોદીને ટાંકતા તેમણે કહ્યું કે તમે કહ્યું હતું કે, નોટબંધી દ્વારા કાળુ નાણું પ્રવાહમાંથી નીકળી જશે નકલી ચલણ નાબૂદ થશે અને આતંકવાદને મળતા ભંડોળને રોકી શકાશે તો શું આમાંથી કોઇ સિદ્ધિ મળી ખરી ? વડાપ્રધાનની કરૂણાનિધિ સાથેની બેઠક અંગે તેમણે કહ્યું કે, તેઓ ફક્ત સદભાવ દેખાડવા આવ્યા હતા અને તેમાં કોઇ રાજકારણ નહોતું.