(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
મુંબઈમાં રેલબ્રિજની ઘટના બાદ રર મુસાફરોના મોત પછી બુલેટ ટ્રેન પર આક્રમક હુમલો કરતાં પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ્‌ે હાઈસ્પીડ બુલેટ ટ્રેનને નોટબંધી સાથે સરખાવી કહ્યું કે તે સલામતી સહિત દરેક માટે ઘાતક સાબિત થશે. પૂર્વ નાણામંત્રીએ અગાઉ નોટબંધીને વર્તમાન મંદી માટે જવાબદાર ગણાવી હતી. પખવાડિયા પહેલાં જાપાનના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને હાઈસ્પીડ બુલેટ ટ્રેનની આધારશિલા મૂકી હતી. આ યોજના ર૦ર૩માં પૂરી થનાર છે. હાઈસ્પીડ ટ્રેન પ૦૮ કિ.મી.નું અંતર મુંબઈ-અમદાવાદ વચ્ચે ફકત ૩ કલાકમાં કાપશે. બુલેટ ટ્રેન સામાન્ય માણસો માટે નથી તે ધનિકો માટે છે. ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ પણ મુંબઈની રેલબ્રિજ ઘટના બાદ બુલેટ ટ્રેન અંગે સવાલ ઉઠાવ્યો છે. તમે ગરીબ મુસાફરોને મરવા દો છો જ્યારે ધનિકો માટે બુલેટ ટ્રેન લાવો છો તેમ શિવસેના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું. પી.ચિદમ્બરમ્‌ે કહ્યું કે, રેલમંત્રીએ બુલેટ ટ્રેનના બદલે ૧ લાખ કરોડ રૂપિયા દેશના રેલવે નેટવર્કને સુધારવા વાપરવા જોઈએ. નોટબંધીની ભૂલ બદલ વડાપ્રધાન મોદીએ માફી માંગવી જોઈએ. જેના કારણે ૧૦૪ લોકોના મોત થયા.