(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૭
ભારતના પૂર્વ વડાપ્રધાન અને વિશ્વવિખ્યાત પ્રખર અર્થશાસ્ત્રી ડો. મનમોહનસિંહ આજરોજ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા તેમણે શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ખાતે વેપારીઓ અને ઉદ્યોગકારોને સંબોધન કરતા નોટબંધીને સંગઠિત લૂંટ અને કાયદેસરની મુર્ખામી ગણાવી હતી જ્યારે જીએસટીને ટેક્સ ટેરરિઝમ ગણાવ્યો હતો અને નોટબંધી લાગુ થઈ તે દિવસને અર્થતંત્ર માટે કાળો દિવસ ગણાવ્યો હતો. જ્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનથી ગુજરાતીઓને નહીં જાપાનને ફાયદો થવાનો છે. બુલેટ ટ્રેન કરતા વર્તમાન રેલવે તંત્રમાં સુધારો કરવાની જરૂર હતી.
પૂર્વ વડાપ્રધાને તેમના ઉદ્‌બોધનમાં વધુમાં જણવાયું હતું કે ગુજરાત આવીને મને ઘણો આનંદ થયો છે. આ ગુજરાત જ સરદાર પટેલ અને મહાત્મા ગાંધી જેવા મહાન લોકો આપ્યા છે. નોટબંધી વિશે પોતાનું નિવદન આપતા કહ્યું કે, આ નિર્ણય વિનાશકારી છે. ભારતમાં લોકતંત્રના ઈતિહાસમાં નોટબંધીએ કાળો દિવસ છે. દુનિયામાં કોઈ દેશે આવો નિર્ણય નથી લીધો કે જેમાં ૮૬ ટકા કરન્સીને એક સાથે પાછી લઈ લીધી હોય. કેશલેસ ઈકોનોમીને ઉપર લઈ જવા માટે નોટબંધી એ એકદમ ખોટો નિર્ણય હતો. નોટબંધી મોદી સરકારનું બ્લંડર છે. મેં સંસદભવનમાં કહ્યું હતું તે આજે પણ કહીશ કે નોટબંધી થવાના કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે. આ કારોબારીઓ પર એક ટેક્સ આતંકવાદની જેમ લાગુ થયો હતો. મનમોહનસિંહ બોલ્યા કે જીએસટી અને નોટબંધીના કારણે ભારતની અર્થવ્યવસ્થાને બે બાજુથી ફટકો પડ્યો છે. જેના કારણે નાના વેપારીઓને ઘણું નુકસાન થયું છે. જેનાથી ૧૦૦ લોકોનો ભોગ લેવાયો હતો. જ્યારે નોટબંધીની જાહેરાત થઈ ત્યારે આ સાંભળીને જ મને આઘાત લાગ્યો હતો.
તેમણે બુલેટ ટ્રેન પર નિશાન સાધતા જણાવ્યું હતું કે કરોડોનું આંધણ કરવામાં અવાી રહ્યું છે. હાલના રેલવે તંત્રને સુધારવાની જરૂર છે. તેમણે કહ્યું કે મેં દેશના મહાન ગુજરાતીઓ મહાત્મા ગાંધી અને સરદાર પટેલને જોયા છે. નિર્ણય લેતી વખતે મહાત્મા ગાંધીની વાતો પર ધ્યાન આપ્યું હોત તો ગરીબોને મુશ્કેલીઓ ન પડી હોત. તેમણે કહ્યું કે મેં પણ ગરીબી જોઈ છે. પંજાબમાં ભાગલા વખતનું દુઃખ મેં અનુભવ્યું છે. મારા જીવનમાં કોંગ્રેસની નીતિઓનો પ્રભાવ રહ્યો છે. અમે ૧૪૦ મિલિયન લોકોને ગરીબીની બહાર નીકાળ્યા છે. કોઈ સરકારે આ મેળવ્યું નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નોટબંધી એક સંગઠિત લૂંટની જેમ કરાઈ હોવાથી તેનો ઈરાદો પૂરો નથી થયો. પંરતુ ચીને પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો. રાજકોટ, સુરત, મોરબી સહિતના બિઝનેશ હબનો ઉલ્લેખ કરતા કહ્યું કે, નોટબંધી નરેન્દ્ર મોદી સરકારની મોટી ભૂલ છે. ૮ નવેમ્બર અર્થવ્યવસ્થા માટે કાળો દિવસ મનાવવામાં આવશે. કાળાનાણા વાળાને ન પકડી શકાયા. નોટબંધી અને જીએસટીથી વેપારીઓને મોટું નુકસાન થયું છે. ગરીબો, ખેડૂતો અને સામાન્ય લોકોને ભારે પરેશાની થઈ છે. નોટબંધીથી સુરત ટેક્સટાઈલ સેક્ટરમાં ર૧ ટકા નોકીરઓ ઘટી ગઈ. દેશમાં ટેક્સ ટેરરિઝમ જેવી હાલત સર્જાઈ. જીએસટી અને નોટબંધીથી ભારતીય અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થયું છે. પરંતુ હું ગર્વ સાથે કહી શકું છું કે અમારા કાર્યકાળ દરમિયાન અમે ૧૪ કરોડ લોકોને ગરીબીમાંથી ઉપર લાવ્યા હતા. જીએસટીનો નિર્ણય પણ વિચાર્યા વિના લેવાયો છે. યુપીએ સરકારમાં અર્થવ્યવસ્થા સુધરી હતી. શું વડાપ્રધાને હાલના કર માળખાને અપગ્રેડ કરી હાઈસ્પીડ ટ્રેન જેવા વિકલ્પો ઉપર વિચાર કર્યો હતો ? આપણે ભારતીય રોજગારીના ભોગે ચાઈનીઝ વસ્તુઓ તરફ ભાગીએ છીએ. તેમણે વધુમાં પ્રશ્ન કર્યો હતો કે શું બુલેટ ટ્રેન ઉપર સવાલ ઉઠાવવાથી વિકાસ વિરોધી અને જીએસટી ઉપર પ્રશ્ન કરવાથી કોઈ ટેક્સ ચોર થઈ જાય છે ? નાના વેપારી જીએસટીથી ખુશ નથી, એક ટકા જીએસટી ઘટે તો એક લાખ કરોડનો ફરક પડે છે. જીએસટી અને નોટબંધીથી ચીનની આયાત વધી છે.