(એજન્સી) નવી દિલ્હી, તા.૪
નોટબંધી સમયે બેંકોમાં ધસારાને પહોંચી વળવા કર્મચારીઓએ કરેલા ઓવર ટાઈમના નાણા આજદિન સુધી સરકારે નહીં ચૂકવતા બેંક કર્મચારીઓએ હડતાળની ચીમકી ઉચ્ચારી આ મુદ્દો કોર્ટમાં લઈ જવાની ધમકી આપી છે. કેન્દ્ર સરકારે ૮ નવેમ્બરે નોટબંધી કરી રૂા.પ૦૦/૧૦૦૦ની નોટો ચલણમાંથી નાબૂદ કરવાની જાહેરાત બાદ બીજા દિવસે બેંકોમાં જૂની નોટો બદલવા અંગે ગ્રાહકોના ધસારાને પહોંચી વળવા બેંક કર્મચારીઓએ સતત નોકરી સાથે ઓવર ટાઈમ કર્યો હતો. ત્રણ માસ સુધી બેંકોમાં ધસારો રહ્યો હતો જેને પહોંચી વળવા ૮ લાખ બેંક કર્મચારીઓ સતત કામ કરતા હતા. ૪ લાખ કર્મચારીઓ રોકાયા હતા. ૧ કલાકના ૧૦૦થી ૩૦૦ રૂા.નું પેકેજ ઓવર ટાઈમ માટે ફાળવાયું હતું. આ મુદ્દો સરકારના ધ્યાન પર લવાયો છે. બેંક કર્મચારી સંઘના પ્રમુખ સીએચ વેંકટચલને કહ્યું કે આ મુદ્દે સરકાર તાકીદે નિર્ણય નહીં કરે તો કાયદાની રૂએ કાર્યવાહી કરાશે.