(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટોને પ્રતિબંધિત કરવાના વડાપ્રધાન મોદીના નિર્ણયના એક વર્ષના ગાળામાં સૌથી ચર્ચાસ્પદ નિર્ણય સામે વિપક્ષ આઠમી નવેમ્બરને કાળા દિવસ તરીકે મનાવી રહ્યો છે જ્યારે સરકાર વિપક્ષના વિરોધને ઝાંખો પાડવા માટે કાળા નાણા વિરોધી દિવસ તરીકે ઉજવી રહી છે. આઠમી નવેમ્બરના એક દિવસ પહેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે સરકાર પર આકરા પ્રહાર કરવાની કમાન સંભાળી છે તો બીજી તરફ વિપક્ષના દરેક હુમલાનો જવાબ આપવા માટે વડાપ્રધાન મોદી અને નાણા પ્રધાન અરૂણ જેટલી મેદાનમાં આવ્યા છે. આગામી હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં નોટબંધીનો મુદ્દો સરકાર અને વિપક્ષ બંને માટે મહત્વનો છે. હિમાચલ પ્રદેશમાં ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ મોદીને પડકાર ફેંકતા જણાવ્યંુ હતું કે, તેઓ કાંતો નોટબંધીના નિર્ણય બદલ માફી માગે અથવા તેઓ પોતાનું પદ છોડી દે. બીજી તરફ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે જણાવ્યંુ હતું કે, મોદીની નોટબંધી એક સંગઠિત લૂંટ હતી અને તે બદલ વડાપ્રધાને દેશના લોકોની માફી માગવી જોઇએ. તેમણે બૂલેટ ટ્રેન વિશે કહ્યંુ કે, આ નિર્ણય પણ એક અહંકારી નિર્ણય છે. મનમોહન સિંહે નોટબંધીને સંપૂર્ણ નિષ્ફળ પગલું અને સ્વતંત્ર ભારતની સૌથી મોટી ભૂલ તરીકે વર્ણવી હતી. બીજી તરફ નાણા પ્રધાન અરૂણ જેટલીએ પણ ટિ્‌વટર પર જવાબ આપતા જણાવ્યું હતું કે, આઠમી નવેમ્બર ૨૦૧૬ના રોજ લેવાયેલા નોટબંધીનો નિર્ણય ભારતીય અર્થવ્યવસ્થાનો ઐતિહાસિક દિવસ હતો. મનમોહનસિંહે જીએસટી અંગે પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. બીજી તરફ નાણા મંત્રી અરૂણ જેટલીએ પણ ફેસબૂક પર એક બ્લોગમાં સરકારના નોટબંધીના નિર્ણય સામે સવાલો ઉઠાવનારાઓને જવાબ આપતા નોટબંધીના નિર્ણયની ઘોષણાના દિવસ ૮મી નવેમ્બર ૨૦૧૬ને ભારતીય ઇતિહાસ માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. ગુજરાતના ચૂંટણી રણસંગ્રામમાં કોંગ્રેસના પ્રચાર માટે ગયેલા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ભાજપને નોટબંધી મુદ્દે ઘેરવાના પૂરા પ્રયાસ કર્યા હતા. તેમણે કહ્યંુ કે, નોટબંધી ઘાતક પુરવાર થઇ છે અને જીએસટીએ નાના વેપારીઓની કમર તોડી નાખી છે.