(એજન્સી) રાંચી,તા.૮
રાંચીથી ૪૦ કિ.મી. દૂર આવેલ પિથોરીયા ગામમાં શાક ઉગાડતી મનોરમા દેવીએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે અમે વધુ દેવામાં ફસાઈ ગયા છે. મેં મારા પતિને ગુમાવ્યા અને હવે પૈસા માટે ગાયને વેચી ફરીથી ખેતી કરવા વિચારી રહી છું. ૩૦ વર્ષીય મનોરમા કાલેશ્વર મહતોની વિધવા છે. આ વર્ષના જૂન મહિનામાં દેવું નહીં ભરપાઈ શકવાને કારણે એમણે આત્મહત્યા કરી હતી જે ઘટના સમાચારોના મથાળા બની હતી. નોટબંધીની પ્રથમ વરસીએ મનોરમાએ જણાવ્યું કે, નોટબંધીના કારણે મારા પતિનું મોત થયું હતું. મનોરમાએ કહ્યું શું સુધારો થયો નોટબંધીથી. મોદીના ગયા વર્ષના દાવાઓને યાદ કરતા કહ્યું કે મોદીએ કહ્યું હતું કે નોટબંધીથી ગરીબો અને મજૂરોને મદદ મળશે, ખેડૂતોને લાભ થશે પણ અમને શું લાભ થયો. જ્યારે પ૦૦ અને ૧૦૦૦ના દરની નોટ બંધ કરવામાં આવી તે દિવસે મારા પતિ કાલેશ્વર જથ્થાબંધ મંડીમાં માલ પહોંચાડવા માટે વાહનની વ્યવસ્થા નહીં કરી શકયા જેથી અમારો બધો પાક ઘરમાં જ સડી ગયો અથવા નજીવા ભાવે વેચવું પડ્યું હતું. જૂન મહિનામાં જ્યારે કાલેશ્વરે આત્મહત્યા કરી હતી તે વખતે નાણાંની ઉપલબ્ધતા સામાન્ય છે પણ અમે પોતાના નુકસાનની ભરપાઈ કરી શકયા નથી.