નવી દિલ્હી, તા. ૮
કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધીની જાહેરાતના એક વર્ષ પુરો થવા અંગે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે તેને સંપૂર્ણ રીતે નિષ્ફળ ગણાવતા કહ્યું કે, નોટબંધીને કારણે અમીરોનું કાળુ નાણું સફેદ થઇ ગયું અને ગરીબ હેરાન થયા. પોતાની આકરી નિવેદનબાજીને કારણે જાણીતા લાલુએ કહ્યું કે, પાછલા વર્ષે આઠમી નવેમ્બરે લેવાયેલો નિર્ણય નોટબંધી નહીં પરંતુ અહંકાર સંતુષ્ટી હતી. તેમણે કહ્યું કે, મારા ઘરે સીબીઆઇના દરોડા પડાવ્યા અને મારા ઘરેથી કાળુ નાણું મળ્યું હોય તો બતાવો. સરકાર એ કેમ નથી બતાવતી કે, નોટબંધી લાગુ કરવાથી કેટલું કાળુ નાણું મળ્યું. નોટબંધીનો એક વર્ષ પુરો થતા તેમણે કહ્યું કે, નોટબંધીનો સૌથી પહેલા અમે વિરોધ કર્યો હતો. લોકો હસતા હતા અને આરોપ લગાવતા હતા કે, મારી પાસે કાળા નાણા છે તેથી વિરોધ કરી રહ્યા છે. અમે આરોપો સામે ડરવાના કે ઝુકવાના નથી. જીએસટી અને નોટબંધી કરીને સરકારે લોકોનું લોહી ખેંચી લીધું છે. નોટબંધીને કારણે આરએસએસ અને અમિત શાહના પુત્રના નાણા સફેદ થઇ ગયા છે. દરમિયાન લાલુએ એવી પણ માગ કરી છે કે, કાળુ નાણું બેંકમા પરત આવી ગયું છે ત્યારે સરકારે તેને જાહેર કરવું જોઇએ. તેમણે ટિ્‌વટ કરતા કહ્યું કે, આ નોટબંધી નથી અહંકાર સંતુષ્ટી હતી જેમાં ૧૫૦ લોકોની બલિ લેવાઇ. નોટબંધીનો એક વર્ષ પુરો થતા વિપક્ષમાં સામેલ ૨૨ પક્ષો બુધવારે કાળો દિવસ મનાવી રહ્યા છે. લાલુે ભાજપના આંકડાઓ પર પ્રહારો કરતા જણાવ્યું કે, કાળું નાણું જે લોકોના અધિકારક્ષેત્રમાં છે તે સ્વિસ બેંકમાં પડ્યું છે. તેનું શું થયું. નાણા ક્યાં જતા રહ્યા ? તમે કહી દીધું કે, રાતે ૧૨ વાગ્યા બાદ નોટ રદ્દીની ટોપલીમાં જતી રહેશે તો નાણા ક્યાં પકડ્યા તમે તે હિસાબ આપો ? લાલુએ આગળ કહ્યું કે, ભાજપ હવે ફેલ થઇચુક્યું છે. જીએસટી લાગુ કરીને કચરો અને જુતા ચપ્પલના ભાવો પણ વધારી દીધા છે. સમગ્ર દેશને બરબાદ કરીને છોડ્યું છે. મારી પાસે જો કાળુ નાણું હોય તો લાઓ. લાલુએ કહ્યું કે, હું ભાજપ વિરોધી છું તેથી અમારા પર કેસ કરવામાં આવે છે. મારા પરિવારને ફસાવવામાં આવે છે. કેમ કે, હું તેમની સામે લડી રહ્યો છું. તેઓ ઇચ્છે છે કે, કેમ લાલુ નીતિશની જેમ શરણે થતા નથી. તેમણે કહ્યું કે, નોટબંધીથી ફક્ત મોટા ઉદ્યોગ ઘરાના અને અને અમીરોને ફાયદો થયો છે. તેમનું કાળું નાણું સફેદ થયું છે. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યાં જીએસટી લાગુ થયું ત્યાં ફેલ સાબિત થયું છે. નોટબંધી અને જીએસટીને કારણે સમગ્ર દેશમાં ભાજપ વિરોધી નફરત ઊભી થઇ ગઇ છે. નોટબંધીની વરસી પર પટનામાં તેજસ્વી યાદવની આગેવાનીમાં કાળા દિવસની રેલી પણ કાઢવામાં આવી હતી.