(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૫
નવરાત્રિ વેકેશન દરમિયાન શાળાઓ ચાલુ રાખનારા સંચાલકોને જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ) દ્વારા નોટીસ પાઠવી જવાબ માગ્યો હતો. શહેરની તમામ ખાનગી શાળાઓનો લેખિત જવાબ લઈને આજે સાંજ સુધી સંચાલક મંડળના પ્રમુખ દ્વારા ડીઈઓને જવાબ રજૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
સુરત શહેર ખાનગી શાળા સંચાલક મંડળ રાજ્ય સરકારના નવરાત્રિ વકેશેનના જાહેરનામાનો ભંગ કરીને શાળાઓ ચાલુ રાખવામાં આવી હતી જેથી ડીઈઓ દ્વારા નવરાત્રિ વેકેશન દરમિયાન શાળાઓ ચાલુ રાખનારા સંચાલકોને નોટીસ મોકાવી બે દિવસમાં જવાબ માગ્યો હતો. સુરત શહેર ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ મહેશ પટેલના જણાવ્યા અનુસાર પ્રથમ સત્રાંત પરીક્ષા નજીક હોવાથી પરીક્ષાનુ઼ રિવીજન શક્ય ન હતું. તેથી વાલીઓ અને વિદ્યાર્થિનીઓની પરવાનગી લઈને શાળાઓ ચાલુ રાખવામાં આવી છે. આ ઉપરાંત મોટા ભાગની શાળાઓમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને પરપ્રાંતીય નાગરિકોના બાળકો અભ્યાસ કરતા હોય છે તે માટે દિવાળી વેકેશન લંબાવી શકાય નહીં. ૨૧ દિવસના દિવાળી વેકેશન દરમિયાન પોતાના વતનમાં જઈને તહેવારની ઉજવણી સાથે સંબંધીઓને મળવાનું અને પ્રસંગોમાં હાજરી આપવા માટેનું વાલીઓનું આગોતરૂ આયોજન હોય છે. વાલીઓ દિવાળી વેકેશન ટૂકાવવા માટે તૈયાર નથી. આજે મોડી સાંજ સુધી સુરત શહેર ખાનગી શાળા સંચાલક મંડળ સાથે સંકળાયેલ શાળાઓની સંચાલક પાસેથી લેખિત જવાબ લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. વાલીઓ, વિદ્યાર્થિઓ, શિક્ષકો અને સંચાલકોની સહમતીથી નવરાત્રિ વેકેશનમાં શાળાઓ ચાલુ રાખવામાં આવી છે અને દિવાળી વેકેશન રાબેતા મુજબ ૨૧ દિવસનું રહેશે તેઓ જવાબ ડીઈઓને રજૂ કરાશે.