(એજન્સી) નવી દિલ્હી, તા.૮
હિંસાગ્રસ્ત વિસ્તારોમાં મધ્યસ્થિતા માટે પ્રસિદ્ધ યુરોપનો નાનો દેશ નોર્વે ભારત તેમજ પાકિસ્તાનની વચ્ચે પણ સંબંધને સુધારવા માટે તૈયાર છે. નોર્વેના વડાપ્રધાન એરના સોલ્બર્ગ ભારતના ત્રણ દિવસીય પ્રવાસ પર સોમવારે નવી દિલ્હી પહોંચ્યા અને તેમણે ભારત તેમજ પાકિસ્તાનને લઈને જે નિવેદન આપ્યા છે તે નિશ્ચિત રીતે ભારતને વધુ રાસ આવ્યા નથી. સોલ્બર્ગની મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ થઈ હતી અને તેઓ ભારતીય વિદેશ મંત્રાલય તરફથી આયોજિત કૂટનીતિના મહાકુંભ રાયસીના ડાયલોગને સંબોધિત પણ કરશે. નોર્વે યુરોપના તે ભાગમાં સામેલ છે જ્યાં ભારતએ હાલમાં જ પોતાના સંબંધોને મજબૂત બનાવવાની નવી પહેલ શરૂ કરી છે. આવામાં સોલ્બર્ગના આ પ્રવાસની ઘણી ઉત્સુકતાથી રાહ જોવામાં આવી રહી હતી. પરંતુ સોલ્બર્ગએ પહેલાં જ દિવસે એક મીડિયા ચેનલને ઈન્ટરવ્યૂમાં અને પછી એક જાહેર કાર્યક્રમમાં મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા ભારત તેમજ પાકિસ્તાનના સંબંધો પર પોતાની બેબાક સલાહ આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાને વાતચીતનો નિર્ણય તો પોતાના સ્તર પર જ કરવાનો છે. પરંતુ જો આ વિસ્તારમાં શાંતિની સંભાવના જળવાઈ રહે છે તો તેઓ અથવા કોઈ બીજો દેશ મધ્યસ્થા કરી શકે છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું કાશ્મીરનું કોઈ સૈન્ય સમાધાન છે તો તેમનો જવાબ હતો કે, હું નથી સમજતી કે કોઈપણ હિંસાગ્રસ્ત વિસ્તારમાં સૈન્ય કાર્યવાહીથી કાયમી શાંતિ સ્થાપિત કરી શકાય છે. માત્ર કાશ્મીરની વાત નથી કરી રહી, પરંતુ આપણી સામે સીરિયાનું ઉદાહરણ છે જ્યાં સૈન્ય કાર્યવાહી છતાં સમસ્યાનું સમાધાન નીકળી શક્યું નથી. મારું માનવું છે કે, દર બે પાડોશી દેશોની વચ્ચે શાંતિ હોવી જોઈએ જેથી તેઓ આરોગ્ય તેમજ શિક્ષણ જેવા મુદ્દાઓ પર વધુ નાણા ખર્ચી શકે ના કે સૈન્ય તૈયારીઓ પર. સોલ્બર્ગએ આ પણ જણાવ્યું કે, નોર્વેની નીતિ સ્પષ્ટ છે કે, જ્યારે કોઈ મદદ માંગે છે ત્યારે જ આપવામાં આવે છે. અમે અમારી તરફથી થોપવાનો પ્રયાસ નથી કરતા. નોર્વેના વડાપ્રધાનના આ નિવેદન પર ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ તેની સંવેદનશીલતાને જોતા નોર્વેના નવી દિલ્હી સ્થિત રાજદ્વારી નિલ્સ રાગનેર કામ્સવાએ ટ્‌વીટ કર્યું કે, અમારા દેશએ ભારત અને પાકિસ્તાનની વચ્ચે કોઈ પ્રકારની મધ્યસ્થતાનો પ્રસ્તાવ કર્યો નથી. ના તો કોઈના દ્વારા અમને પ્રસ્તાવ મળ્યો છે અને ના તો નોર્વે તરફથી આવું કહેવામાં આવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે, નોર્વેના રાજદ્વારીએ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે તો આવામાં હવે કહેવા માટે કંઈ જ બચ્યું નથી, પરંતુ ભારત સરકાર નોર્વે તરફથી કાશ્મીરમાં ખાસ રસ દાખવવા અંગે સતર્ક છે. થોડાક જ દિવસ પહેલાં નોર્વેના પૂર્વ વડાપ્રધાન કે.એન.બોંદવિક કાશ્મીર ખીણના પ્રવાસ પર આવ્યા હતા. અમે ત્યાંના અલગતાવાદી દળોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેઓ નિશ્ચિત રીતે ભારત સરકારની પરવાનગીથી જ ત્યાં ગયા હશે. નોર્વે આ પહેલાં શ્રીલંકામાં તામિલ હિંસાને સમાપ્ત કરવામાં પણ ઘણું સક્રિય રહ્યું છે.