(એજન્સી) તા.૩૦
ગૃહમંત્રાલયે રવિવારે કહ્યું હતું કે એનપીઆરમાં ફરજ બજાવનાર ગણતરીકારો અંગ્રેજી અથવા જર્યાજીયન કેલેન્ડર અને મહત્ત્વના ભારતીય તહેવારોનો ઉલ્લેખ કરી લોકોને તેમના જન્મનો મહિનો યાદ અપાવવામાં મદદ કરશે. જો કે, નોંધનીય છે કે, વાત તો એ છે કે, ગૃહમંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી તહેવારોની યાદીમાં એક પણ મુસ્લિમ તહેવારને સામેલ કરવામાં આવ્યો નથી. ગૃહમંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ યાદી ર૦૧૧ની વસ્તી ગણતરી અને એનપીઆર ર૦૧૦ના માપદંડો પ્રમાણે જ તૈયાર કરવામાં આવી છે. ગૃહમંત્રાલય દ્વારા એનપીઆરના ગણતરીકારો અને નિરીક્ષકો માટે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં આ તહેવારોની યાદી આપવામાં આવી છે જેમાં ફકત હિન્દુ અને શીખ તહેવારોની યાદી આપવામાં આવી છે. ગૃહમંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, આ યાદીનો ઉદ્દેશ એ છે કે, એનપીઆરના ગણતરીકારો સામેવાળી વ્યક્તિના જન્મના મહિનાનો અંદાજ લગાવી શકે. આ માર્ગદર્શિકા પ્રમાણે જો કોઈ શખ્સ ફકત તેના જન્મનો વર્ષ જાણતો હોય તો વસ્તી ગણતરી કરનાર તેને પ્રશ્ન કરી શકે છે કે, શું તેનો જન્મ વરસાદની ઋતુમાં થયો હતો કે નહીં. ધારો કે જો તેનો જન્મ વરસાદની ઋતુ પહેલાં થયો હોય તો પછી તેને પૂછવામાં આવશે કે તેનો જન્મ એવા કોઈ મહિનામાં થયો હતો જ્યારે કોઈ મહત્ત્વના તહેવાર જમે કે, બેસતુ વર્ષ, ગુરૂગોવિંદસિંઘ જયંતી, મકરસક્રાંતિ, પોંગલ, પ્રજાસત્તાક દિવસ, વસંત પંચમી, મહાશિવરાત્રી, ગુડી પાડવા, રામનવમી, વૈશાખી, બિહુ, મહાવીર જયંતી, ગુડ ફ્રાઈડે અને બૌદ્ધ પુર્ણિમાની ઉજવણી થઈ હોય.