ભૂજ, તા.૬
મુસ્લિમ સમાજને એનપીઆર અંગે સમજણ મળે અને તે માટે સમજણ લેવા માટે મુસ્લિમ પ્રદેશ અગ્રણી આદમભાઈ ચાકી તથા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઈબ્રાહિમ હાલેપોત્રા તેમજ, જિલ્લા પંચાયત સદસ્ય રસીદભાઈ સમા, રૂબરૂ મુલાકાત માટે બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી તેમજ આર.ડી.સી. કલેક્ટર ઝાલાની મુલાકાત એનપીઆર વસ્તી ગણતરી થવાની છે એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવા મુલાકાત લીધેલ હતી જેમાં ચર્ચા દરમિયાન આરડીસી કલેક્ટર ઝાલાએ એવું જણાવેલ છે કે, હાલ સરકાર તરફથી એનપીઆર હેઠળ વસ્તી ગણતરીનું કામ ચાલુ કરવા કોઈ પરિપત્ર સરકાર તરફથી અમોને અપાયેલ નથી અને એનપીઆરના ફોર્મનો પણ કોઈ નમૂનો અમોને અપાયેલ નથી.
વધુમાં ઈબ્રાહિમ હાલેપોત્રા અને આદમભાઈ ચાકી દ્વારા પૂછાયું હતું કે, એનપીઆરની કામગીરી હેઠળ નાગરિકતા નહીં જાય પણ એનપીઆરની નોંધણી કરવા આવનાર અધિકારી માતા-પિતાના જન્મના દાખલા માંગે અને કોઈ નાગરિક એમ જણાવે કે, અમારા માતા-પિતાના જન્મના દાખલા નથી તો શું એવા/નાગરિકોને શંકાસ્પદ નાગરિકમાં સામેલ કરાશે કે, શું ? એના જવાબમાં ઝાલાએ જણાવેલ કે, અત્યારે અમોને આવી કોઈ માહિતી સરકાર તરફથી આપવામાં આવી નથી પણ જ્યાં જરૂર જણાશે અને અમારી પાસે માહિતી આવશે ત્યારે તમોને રૂબરૂ બોલાવી એ બાબતે ચર્ચા કરીશું તેમજ અમોને જો સરકાર દ્વારા એનપીઆર બાબતનું કોઈ ફોર્મ આપવામાં આવશે તો એ ફોર્મની નકલ પણ તમોને આપીશું અને વધુમાં આઈ.જી. તેમજ આરડીસી કલેક્ટર સાથે ચર્ચા કરતા જણાવેલ કે, જરૂર જણાશે તો જનતાને એનપીઆર બાબતે જાગૃત કરવા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વકીલોને બોલાવીને જાહેર કાર્યક્રમમાં સંવાદ યોજવાની પણ ચર્ચા કરવામાં આવી હતી.
હાલમાં કોઈપણ જાતની વસ્તી ગણતરી ચાલુ નથી અને એનપીઆર હેઠળની કોઈ કામગીરી તંત્ર દ્વારા ચાલુ નથી.
ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં તેવું આદમભાઈ ચાકી તેમજ ઈબ્રાહિમ હાલેપોત્રાએ એક યાદીમાં જણાવેલ છે.