(એજન્સી) કોલકાતા, તા.૯
એનપીઆરનીતૈયારીઓ અને અપડેશનના કામ પર સ્ટે મુકવાના અઠવાડિયા બાદ જ એનપીઆર અંગે પોતાની જમીન તૈયાર કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે લોકોને અપીલ કરી હતી કે, તેઓ ગણતરી કરનારાઓને કોઇ માહિતી ના આપે. નાગરિકતા એ લોકતાંત્રિક અધિકાર હોવાનું જણાવતા તેમણે ચેતવણી આપી કે, આ અધિકાર છીનવા માગતા કોઇએ પણ મારા મૃતદેહ પરથી પસાર થવું પડશે. કેન્દ્ર સરકાર કહે છે કે, આ ઓનલાઇન થઇ શકે છે. શું ચોખા ઓનલાઇન રાંધી શકાય છે? હંમેશા શારીરિક ઓળખ જરૂરી છે. જો બહારથી કોઇ તમારી પાસે આવે અને તમારા પિતાનું નામ, માતાનું નામ , માતાનું જન્મસ્થાન પૂછે તો તેમને કોઇ માહિતી આપશો નહીં. અમે સીએએને મંજૂરી આપીશું નહીં, એનઆરસીને પણ નહીં તથા એનપીઆરને પણ મંજૂરી આપીશું નહીં.
સુંદરગઢ નજીકના દક્ષિણ ૨૪ પરગણાના પથારપ્રતિમા ખાતે સરકારની કેટલીક યોજનાઓનું ઉદઘાટન કરતા બેનરજીએ જાહેરસભામાં જણાવ્યું કે, આપણે કોઇની દયા પર જીવતા નથી, આપણે અહીં મત આપીએ છીએ. આપણે અહીં ભણીએ છીએ. આપણે અહીં કામ કરીએ છીએ. અમે આપણા લોકતાંત્રિક અધિકારો કોઇને છીનવવા દઇશું નહીં. આપણે સાધારણ ચોખા પર જીવીએ છીએ, સાદા વસ્ત્રો પહેરીએ છીએ પણ કોઇને કોમી હિંસા ભડકાવવા તથા મુશ્કેલી સર્જવાની મંજૂરી આપીશું નહીં.