(એજન્સી) નવી દિલ્હી, તા.૧
નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરનું ફોર્મ જે ટ્રાયલ તરીકે ઉપયોગમાં લેવાશે એમાં માતા-પિતાના જન્મ સ્થળની માહિતી પણ પૂછવામાં આવી છે. એ ફોર્મને સરકારે મંજૂરી આપી છે. સરકારના જણાવ્યા મુજબ આ ફોર્મનો લોકો દ્વારા વિરોધ કરાયો નથી. સરકારે સેમ્પલ સર્વે દ્વારા લોકો પાસેથી જવાબો માંગ્યા હતા. એનપીઆર માટે સૌથી પહેલાં ર૦૧૦ના વર્ષમાં માહિતી મેળવવામાં આવી હતી અને ર૦૧પમાં એને અપડેટ કરાયું હતું. એમાં ૧પ વાતો પૂછવામાં આવી હતી જેમાં વ્યક્તિનું નામ, ઘરના વડા સાથે એમનું સંબંધ, પિતાનું નામ, માતાનું નામ, પતિ-પત્નીનું નામ, જાતિ, જન્મ તારીખ, વૈવાહિક દરજ્જો, જન્મસ્થળ, રાષ્ટ્રીયતા (જે જાહેર કરેલ હોય), હાલનું સરનામું, કેટલા સમયથી અહીં રહો છો, કાયમી સરનામું, વ્યવસાય/પ્રવૃત્તિ અને શૈક્ષણિક લાયકાત. મોદી સરકારે જણાવ્યું છે કે, આ વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બર સુધી એનપીઆરની પ્રક્રિયા હાથ ધરાશે. સપ્ટેમ્બર ર૦૧૯માં સર્વે કરાયો હતો જેમાં ૩૦ લાખ લોકોએ ભાગ લીધો હતો. સર્વેમાં ૭૪ જિલ્લાઓને આવરી લેવાયા હતા. નવા ફોર્મમાં વધારાની માહિતી પૂછવામાં આવશે જેમાં માતા-પિતાનું જન્મસ્થળ, છેલ્લે રહ્યા હોય એ સરનામું, આધારકાર્ડ (મરજિયાત), મતદાર ઓળખકાર્ડ, મોબાઈલ નંબર અને ડ્રાઈવિંગ લાયસન્સ નંબર. હાલમાં એનપીઆર દ્વારા ૧૧૯ કરોડ લોકોની માહિતી ઉપલબ્ધ છે. સર્વે દરમિયાન નવા ફોર્મ અંગે કોઈપણ વ્યક્તિએ વિરૂદ્ધમાં જણાવ્યું ન હતું જેથી ફાઈનલ ફોર્મ પણ આ મુજબ રહેવાની શક્યતા છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું જે કુટુંબમાં ૧પથી વધુ સભ્યો એમને અગાઉથી જાણ કરાશે જેથી તેઓ માહિતી મેળવનાર અધિકારીને ખરાઈ કરવા દસ્તાવેજો બતાવી શકે. એનપીઆર માટે માહિતી મેળવવા ઘરે-ઘરે જઈ મુલાકાત કરાશે. જો કે, પ.બંગાળ અને કેરળના રાજ્યોએ જાહેરાત કરી છે કે, એ એનપીઆર પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ આ મુજબની જાહેરાત કરી છે. એમને ભય છે કે, એનપીઆરનો ઉદ્દેશ્ય એનઆરસી માટે માહિતી મેળવવાનો છે. જો કે, સરકારે જણાવ્યું હતું કે, એનઆરસી-એનપીઆર વચ્ચે કોઈ સંબંધ નથી. નાગરિકતા કાયદા ૧૯પપમાં ર૦૦૩ના વર્ષમાં નિયમો ઉમેરવામાં આવ્યા હતા જે મુજબ એનપીઆર દ્વારા મેળવેલ ડેટાનું ઉપયોગ એનઆરસી માટે કરી શકાય છે. ગૃહમંત્રાલયની પહેલાંની નોટિસોમાં જણાવ્યું હતું કે, એનપીઆર સાથે એનઆરસીનું સંબંધ છે.
કેન્દ્રે અમલ કરવા માટે માતા-પિતાના જન્મ સ્થળની માહિતી સાથેના NPRના ટ્રાયલ ફોર્મને મંજૂરી આપી

Recent Comments