(એજન્સી) તા.૨૪
આસામની એનઆરસી ટ્રિબ્યુનલે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનીઓના દાંત ખાટા કરનાર સૈન્ય અધિકારી મોહમ્મદ સનાઉલ્લાહને વિદેશી જાહેર કરી તેમની ધરપકડ કર્યા પછી હવે આ જ ટ્રિબ્યુનલે બીએસએફના સબઈન્સ્પેક્ટર અને તેમની પત્નીને વિદેશી જાહેર કર્યા છે. મૂળ આસામના અને હાલમાં પંજાબમાં ફરજ બજાવી રહેલા બીએસએફ અધિકારી મુઝીબુર રહેમાને સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે, તેમને તેમના જ દેશમાં વિદેશી જાહેર કરી દેવામાં આવશે. મુઝીબુર રહેમાનના પરિવારે દાવો કર્યો હતો કે, તેમને અને તેમની પત્નીને જોરહાટ ફોરેનર્સ ટ્રિબ્યુનલે ગયા વર્ષે ડિસેમ્બરમાં જ વિદેશી જાહેર કરી દીધા હતા, પરંતુ તેમને ગયા મહિને જ તેના વિશે જાણ કરવામાં આવી હતી. રહેમાને કહ્યું હતું કે, “શક્ય છે કે, એનઆરસી તૈયાર કરી રહેલા લોકોએ યોગ્ય રીતે તેમની ફરજ ન બજાવી હોય. અમે ત્રૂટિયુક્ત એનઆરસીની માગણી કરીએ છીએ અને હંમેશા આ પ્રક્રિયામાં સહકાર આપીશું. હું સરકારને વિનંતી કરૂં છું કે, વાસ્તવિક ભારતીય નાગરિકોની હેરાનગતિ ન કરવામાં આવે.” તેમના પિતાએ જણાવ્યું હતું કે, રહેમાન અને તેમની પત્ની સિવાય પરિવારના બધા લોકો એનઆરસીમાં નામ ધરાવે છે. નોંધનીય છે કે, એનઆરસીમાં નામ ન હોવાના કારણે રહેમાન અને તેમની પત્ની પર ધરપકડનો સંકટ તોળાઈ રહ્યું છે.